અમદાવાદમાં બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઈટિસના કેસમાં ચિંતાજનક વધારો
- સાત દિવસમાં સિવિલ અનો સોલા સિવિલમાં 2800 કેસ નોંધાયાં
- હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો
- આંખમાં નાખવાની દવાની અછત ઉભી થયાની અટકળો
અમદાવાદઃ શહેરમાં વાયરલ કન્ઝક્ટિવાઈટિસ એટલે કે ‘અખિયાં મિલા કે’ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરની સિવિલ અને સોલા સિવિલમાં સાત દિવસમાં 2800થી વધારે કન્ઝક્ટિવાઈટિસના કેસ નોંધાયાં છે. શહેરમાં અખિયા મિલા કે ના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. બીજી તરફ આંખોમાં નાખવાની દવાની અછત ઉભી થયાનું ચર્ચાઈ રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અસારવા સિવિલની આંખની હોસ્પિટલમાં સાત દિવસમાં વાયરલ કન્ઝક્ટિવાઈટિસ 2,297 કેસ જ્યારે સોલા સિવિલ ખાતે 511 કેસ નોંધાયા હતા. સિવિલની સરકારી આંખની હોસ્પિટલના તબીબના જણાવ્યા અનુસાર એક દિવસમાં કન્ઝક્ટિવાઈટિસના 411 દર્દી નોંધાયા છે, છેલ્લા એક સપ્તાહમાં 2300 જેટલા કેસ આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આંખોમાં લાલાશ આવે, બળતરા થાય, ચેપડા વળે તેવી સ્થિતિમાં તબીબી સારવાર લેવી જોઈએ, સ્ટીરોઈડના ટીપાંથી આંખને નુકસાન થઈ શકે છે, આંખના ભાગે સોજો હોય, આંખની કીકીમાં તકલીફ હોય તે સહિતની સ્થિતિ જોઈને જ તબીબો આ પ્રકારના ટીપાની સલાહ આપતાં હોય છે, મેડિકલ સ્ટોર પરથી જાતે ટીપાં લઈ અખતરાં ન કરવા જોઈએ તેવી સલાહ અન્ય તબીબો પણ આપી રહ્યા છે. વાયરલ અને બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઈટિસના સતત વધતા કેસે ચિંતા વધારી છે. બાળકોમાં અંખિયા મિલા કે ની બિમારી જોવા મળે તો તેમને સ્કૂલ નવી જવા માટે તંત્ર દ્વારા તાકીદ કરી છે.