આંતરરાજ્ય કૂખ્યાત તસ્કર ગેન્ગના બે શખસોને સુરત પોલીસે દબોચી લીધા, 50 ગુનાનો ભેદ ઉકેલાયો
સુરતઃ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઘરફોડ ચોરીઓ કરતી તસ્કરોની ગેન્ગના બે શખસોને સુરતની ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા હતા. અલગ અલગ રાજ્યોમાં 50 કરતાં વધારે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચડ્ડી બનીયાન ધારી ગેંગના બે ઈસમોને પકડવામાં મોટી સફળતા મળી છે. આ શખસો પાસેથી અલગ અલગ પ્રકારના પાના પેચિયા તેમજ એક મોટર સાયકલ અને 1,000 રોકડા સહિત 56,970 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
દેશના અલગ-અલગ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ, દિલ્લી, નોઇડા, હરિયાણામાં ઘાડ-ઘરફોડ ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય કુખ્યાત ચડ્ડી બનિયાનધારી પારધી ગેંગના બે આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. આરોપીની ધરપકડ થતા સુરત શહેર, આણંદ, વડોદરા તેમજ આંતરરાજ્યના 50થી વધુ ઘરફોડ ચોરી અને વાહનચોરીના ગુનાઓ આચર્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસથી બચવા આ ગેંગ ચોરી કરવા પહેલા કપડા કાઢી ચડ્ડી અને બનીયાનમાં બાદમાં બહાર નીકળી કપડા પહેરી ફરાર થઈ જતી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશની ચડ્ડી-બનીયાનધારી ગેંગના માણસો છેલ્લા ઘણા દિવસથી સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપે છે અને આરોપીઓ સરથાણા કેનાલ ખાતે આવવાના છે. જે આધારે સરથાણા કેનાલ રોડ પરથી આંતરરાજ્ય ઘાડ-ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચડ્ડી-બનિયાનધારી પારધી ગેંગના આરોપી રાજબાપુસિંગ પવાર [પારધી] અને અવિનાશ હિમંત સોલંકી [પારધી]ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી એક બાઈક, રોકડ રૂપિયા 1 હજાર તેમજ ઘરફોડ ચોરી કરવા માટેના સાધનો જેવા કે, હાઈડ્રોલિક ગ્રીલ કટર, પેચિયું, તાર કટિંગ કરવાનું પકડ, ટોર્ચ, લોખંડના પાના, ગિલોલ વગેરે મળી કુલ 56 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા એવી હકિકત જાણવા મળી હતી કે, છેલ્લા ઘણા સમયથી આરોપીઓ પોતાની ગેંગ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા,કર્ણાટક, મધ્યપ્રદેશ, દિલ્લી નોઇડા, હરિયાણા ખાતે ઘરફોડ ચોરી ધાડ લૂંટ વાહન ચોરીના ગુનાઓ કરતા છે. આ ગેંગ સુરત શહેર તેમજ ગુજરાતના અલગ-અલગ જિલ્લા જેમ કે, આણંદ, વડોદરા, અમદાવાદ ખાતે પોતાની ગેંગ સાથે આવી ખુલ્લી જગ્યામાં પડાવ નાખી રોકાણ કરતા હતા. પોતાની કરતૂત છુપાવવા દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા. આ ગેંગ સુરત શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં ફરી ખુલ્લી જગ્યા પાસે VIP બંગલાઓને કે દુકાનોના શો-રૂમને ટાર્ગેટ કરી રાત્રિના આશરે દોઢથી બે વાગ્યાના અરસામાં CCTV કેમેરામાં ઓળખ ન થઇ જાય અને પોલીસ તેમને ન પકડી શકે તે રીતે ચોરીને અંજામ આપતા હતા.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આરોપીઓની ધરપકડ થતા સુરત, સુરત શહેર, આણંદ જિલ્લા વડોદરા તેમજ આંતરરાજ્યના 50થી વધુ ઘરફોડ ચોરી અને વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. વધુમાં આરોપીની કડક પૂછપરછમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ઓરંગાબાદ જિલ્લામાં 10, રાજસ્થાન રાજ્યમાં જયપુર ખાતે 5 ઘરફોડ, મધ્ય પ્રદેશના રતલામ ખાતે 10 ઘરફોડ ચોરી, પંજાબ અમૃતસર ખાતે 5 ઘરફોડ ચોરી, ઉતરપ્રદેશ વારાણસી ખાતે 5, ગોવા શહેરમાં સાઉથ ગોવા કેનાકોના ખાતે 2, હરિયાણા પુંગા જલધર ખાતે 05 અને દિલ્હી ખાતે બદરપુર ટાઉન ખાતે 02 ઘરફોડ ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું હતું.