રાજકોટઃ જાણીતી યુનિવર્સિટીના કેમ્પસમાંથી શંકાસ્પદ છોડ ગાંજાના જ હોવાનો FSL ના રિપોર્ટમાં ખુલાસો
- યુનિવર્સિટીના સંકુલમાંથી ચાર મહિના પહેલા શંકાસ્પદ છોડ મળ્યા હતા
- FSLના રિપોર્ટ બાદ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
- અત્યાર સુધીમાં 100થી વધારે વ્યક્તિઓના નિવેદન લેવાયાં
અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટ નજીક આવેલી જાણીતી યુનિવર્સિટીના કેમ્પસમાંથી અગાઉ શંકાસ્પદ છોડ મળી આવ્યાં હતા. આ છોડ ગાંજાના હોવાનો એફએસએલના રિપોર્ટમાં ખુલાસો થયો છે. એફએસએલના રિપોર્ટના આધારે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જાણીતી યુનિવર્સિટીના કેમ્પસમાં એક બિલ્ડીંગની નજીક શંકાસ્પદ છોડ મળી આવ્યા હતા. આ છોડ ગાંજાના હોવાની અટકળો વહેતી થઈ હતી. તેમજ છોડને તોડીને ફેંકી દેવામાં આવ્યો હતો. જો કે, જે તે સમયે આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઉખાડીને ફેંકી દેવાયેલા મૂળ વગરના કેટલાક છોડ તથા અન્ય મૂળ સાથે કાઢીને કેટલાક છોડને તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યાં હતા. જે તે વખતે સમગ્ર બનાવને ગંભીરતાને લઈને તપાસ એસઆઈટીને સોંપવામાં આવી હતી. પોલીસે 100થી વધારે લોકોના નિવેદન લીધા હતા. દરમિયાન એફએસએલનો રિપોર્ટ આવ્યો છે.
યુનિવર્સિટી કેમ્પસમાંથી આવેલા છોડ ગાંજાના હોવાનું ખુલતા યુનિવર્સિટી સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. એફએસએલના રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું હતું કે, યુનિવર્સિટી સંકુલમાંથી મળેલા છોડ માદાપુષ્પ ગાંજાના છે, તેમાં કેનાબીસના સક્રિય ઘટકોની હાજરી મળી આવી છે. એફએસએલના રિપોર્ટના આધારે પોલીસે ગુનો નોંધીને સમગ્ર બનાવની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે.