એસટી બસના ભાડાંમાં 25 ટકાનો તોતિંગ વધારો, અન્ય રાજ્યોની તુલનાએ ઓછા ભાડાં હોવાનો દાવો
અમદાવાદઃ ગુજરાતમાં એસટી બસના ભાડાંમાં સરેરાશ 25 ટકાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. અને આજે મંગળવારથી ભાડા વધારાનો અમલ કરી દેવામાં આવ્યો છે. એસટી બસના ભાડાંમાં 48 કિમી સુધી રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. રાજ્યમાં રોજ 10 લાખ લોકો બસની મુસાફરી કરતા હોય છે. 48 કિમીથી વધુની મુસાફરી કરનારા મુસાફરોને 20 ટકા સુધી વધુ ભાડું ચૂકવવું પડશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)દ્વારાએસટી બસના ભાડાંમાં સોમવાર મધરાત બાદ વધારો કરવામાં આવ્યો છે. 2014 બાદ પહેલીવાર ભાડામાં વધારો કરાયો હોવાનો નિગમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મંગળવારથી લાદવામાં આવેલા બસ ભાડાંમાં 48 કિમી સુધી રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. રાજ્યમાં રોજ 10 લાખ લોકો બસની મુસાફરી કરતા હોય છે. 48 કિમીથી વધુની મુસાફરી કરનાર મુસાફરોને 20 ટકા સુધી વધુ ભાડું ચૂકવવું પડશે.
એસટી નિગમ દ્વારા 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં વધારો કરતાં મુસાફરોના ખિસ્સાં થશે. નિગમ દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો છે. કે, વર્ષ 2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે. જેને પગલે ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. ભાડાંના નવા દરો નક્કી કરાયા છે. એસટીની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસાની બદલે 80 પૈસા કરવામાં આવ્યા છે. એક્સપ્રેસ બસમાં 68 પૈસાના બદલે 85 પૈસા કરવામાં આવ્યા છે. નોનએસી અને સ્લિપર કોચમાં 62 પૈસાથી વધારીને 77 પૈસા કરવામાં આવ્યા છે.
ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એમ કે ગાંધીએ જણાવ્યું હતું કે, એસ.ટીનું છેલ્લા 10 વર્ષથી ભાડું વધ્યું નથી. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં એસટી બસનું ભાડું ખૂબ જ ઓછું વધ્યું છે. પ્રતિ કિલોમીટર 20થી 25 ટકા જેટલો વધારો ભાડામાં કરવામાં આવ્યો છે. ગુજરાત એસટીનું મિનિમમ ભાડું હાલમાં સાત રૂપિયા છે. જે હવે ભાવવધારો થતાં 9થી 9.50 રૂપિયા જેટલું થશે. એસી સ્લીપર અને સીટર બસોમાં પણ આજ ભાડાના દર યથાવત રહેશે. લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન-એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરાયો છે.
છેલ્લાં દસ વર્ષથી એસટીનાં ભાડાંમાં કોઈપણ વધારો કરાયો નથી અને હવે એસટી નિગમ દ્વારા સારી સુવિધા મુસાફરોને મળે એના માટે આ નિર્ણય લેવામાં આવ્યો કહેવામાં આવી રહ્યું છે. ગુજરાત એસટીમાં સૌથી વધારે 85 ટકા લોકો લોકલ બસમાં મુસાફરી કરતા હોય છે, જેથી એમાં એકથી છ રૂપિયા સુધીનો વધારો કરાયો છે.
ગુજરાત એસટી નિગમના સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લાં દસ વર્ષથી એસટીનાં ભાડાંમાં વધારો કરવામાં આવ્યો નથી. ડીઝલ, મોંઘવારી ભથ્થા, ચેસીસ અને ટાયરોના ભાવમાં વધારો થતાં ભાડાવધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2014થી આજ દિન સુધી એસટી નિગમ પર આર્થિક ભારણ વિવિધ કારણોસર વધી ગયું છે, જેના કારણે હવે ભાડાં વધારાનો નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી.