અમદાવાદઃ શહેરમાં નવી મિલ્કતોને બીયુ પરમિશન અપાયા બાદ પ્રોપર્ટી ટેક્સ આકારણીમાં ખૂબજ વિલંબ કરાતો હતો. તેના લીધે નવી પ્રોપર્ટીના બિલો માકલી શકાતા નથી. અને તેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને આર્થિક નુકસાની વેઠવી પડતી હતી. GPMC એક્ટની જોગવાઈ મુજબ બી.યુ. પરમિશન તારીખથી મિલકતની ટેક્ષની આકારણી કરવાની થાય છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે-તે ઝોનના એસ્ટેટ ખાતા દ્વારા નવી મિલકતને બી.યુ પરમિશન આપવામાં આવે છે. બી.યુ.પરમિશન આપવામાં આવેલી મિલકતની બી.યુ. પરમિશનની નકલ પ્રોપર્ટી ટેક્ષ ખાતાના જે-તે ઝોનમાં મોકલવામાં આવે છે. તેને આધારે પ્રોપર્ટી ટેક્ષના વોર્ડ ઈન્સ્પેક્ટર બી.યુ પરમિશન મળેલી હોય તેવી મિલકતની સ્થળ જઈને માપણી કરે છે અને માલિકી અંગેના પુરાવાઓ મેળવી મિલકતની ટેક્ષની આકારણી કરે છે. તે રીતે જે-તે નવી મિલકતની આકારણી કરવામાં આવે છે. અત્યાર સુધી ઉપરોક્ત કામગીરીમાં એસ્ટેટ ખાતા દ્વારા માહિતી મોકલવામાં વિલંબ થાય તેમ જ ટેક્ષ ડિપાર્ટમેન્ટના વોર્ડ ઈન્સ્પેક્ટર દ્વારા આકારણી કરવામાં વિલંબ થાય છે, આથી હવે બીયુ પરમિશન અપાયાને 45 દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આકારણી કરી દેવી પડશે.
AMC રેવન્યૂ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યુ હતુ કે, AMCના એસ્ટેટ ખાતાને તાકિદ કરવામાં આવી છે. કે, બી.યુ પરમિશન આપવામાં આવે કે તાત્કાલિક જ પ્રોપર્ટી ટેક્ષ વિભાગને જાણ કરવામાં આવે, તેમ છતાંયે હજુ નવી મિલકતોની આકારણી કરવામાં ઘણો વિલંબ કરવામાં આવી રહ્યો છે. ઉપરોક્ત વિલંબનું નિવારણ થાય તે હેતુથી હવે બી.યુ. પરમિશન મળ્યાના 45 દિવસમાં નવી મિલકતની આકારણી કરવામાં આવશે. એસ્ટેટ ખાતા ખાતા દ્વારા બી.યુ. પરમિશન આપવામાં આવે તેના 10 દિવસમાં જ તમામ માહિતી પ્રોપર્ટી ટેક્ષ વિભાગમાં પહોંચે તેવી વ્યવસ્થા કરવા એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવશે. બી.યુ પરમિશનની તારીખથી જે-તે ઝોનના વોર્ડ ઈન્સ્પેક્ટર દ્વારા માપણી કરી 45 દિવસ સુધીમાં તેની આકારણી કરી દેવામાં આવશે. આ કામગીરીમાં જો વિલંબ થશે તો જે-તે કર્મચારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. તેની સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 45 દિવસમાં ટેક્સ આકારણી અંગેનો પરિપત્ર ટેક્ષ ખાતા દ્વારા કરવામાં આવશે. તેમજ એસ્ટેટ ખાતાને પણ આ બાબતે જાણ કરવામાં આવશે. નાગરિકોને ટેક્ષ બીલની એડ્રેસ પ્રુફ તથા અન્ય સરકારી કચેરીઓમાં એક પુરાવા તરીકે જરૂર હોય છે. આ પ્રમાણે બી.યુ. તારીખ પછી ટૂંક સમયમાં કરદાતાઓને ટેક્ષ બીલ મળી શકશે. સામાન્ય રીતે જ્યારે ટેક્ષ બીલ આપવામાં આવે છે ત્યારે માલિકી પુરાવાના અભાવે બિલ્ડરના નામે બીલ આપવામાં આવે છે અને ખરીદનારનું નામ દસ્તાવેજ થયા પછી પુરાવાના આધારે ટેક્ષમાં ચઢાવવામાં આવે છે. તેને કારણે બાકી ટેક્ષ અંગે ઘણી વાર બિલ્ડર અને મકાન માલિક વચ્ચે વિવાદ થાય છે. બી.યુ. તારીખ પછી તાત્કાલિક જ બીલ મળતા બિલ્ડર અને ગ્રાહક વચ્ચે વિવાદનો અંત આવશે. વધુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોડ્યુલમાં સુધારા કરી એસ્ટેટ ખાતા દ્વારા બી.યુ આપવામાં આવે તે ઓનલાઈન પ્રોપર્ટી ટેક્ષમાં રીફ્લેક્ટ થાય તે માટે ઈ-ગવર્નન્સ ખાતા સાથે સંકલન કરી કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, મ્યુનિ.ના ટેક્સ વિભાગ દ્વારા અત્યાર સુધી નવી આકારણીમાં થતો વિલંબ દૂર થશે અને બી.યુ પરમિશન મળ્યાના માત્ર 45 દિવસમાં જ મિલકતની આકારણી થઈ જશે. જેથી નાગરિકોને સમયસર બીલ મળી શકશે અને કોર્પોરેશનની લીક્વિડેશનમાં વધારો થશે.