ગણેશ મહોત્સવઃ POP કે ફાયબરની 5 ફૂટથી ઊંચી મૂર્તિની સ્થાપના નહીં થઈ શકે
- લોકોની લાગણી ન દુભાય તેવી મૂર્તિઓ બનાવવા અને વેચાણ કરવા નિર્દેશ
- ભગવાનની મૂર્તિના વિસર્જન માટે કુત્રિમ તળાવ ઉભા કરવામાં આવશે
અમદાવાદઃ રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આગામી ગણેશ મહોત્સવને લઈને ભક્તોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. દરમિયાન ગણેશ મહોત્સવને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર પીઓપી કે ફાયબરની પાંચ ફુટથી ઊંચી પ્રતિમાની સ્થાપના કરી શકાશે.
વડોદરા પોલીસના જાહેરનામા અનુસાર, નવ ફુટથી ઊંચી ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવવા, વેચવા અને સ્થાપના કરવા કરવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પાંચ ફુટથી ઊંચી વિઘ્નહર્તાની પીઓપી અને ફાયબરની મૂર્તિ બનાવવા, વેચાણ અને સ્થાપના કરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસની મંજુરી સિવાયના ઓવારા ઉપર ભગવાનની મૂર્તિનું વિસર્જન કરી શકાશે નહીં. તંત્ર દ્વારા મૂર્તિના વિસર્જનને લઈને ખાસ કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે. મૂર્તિઓ બનાવવાના સ્થળે અને વેચાણના સ્થળે ગંદકી નહીં કરવા માટે કલાકારો અને વેપારીઓને તાકીદ કરવામાં આવી છે. ખંડિત મૂર્તિને બિનવારસી હાલતમાં નહીં મુકવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તેવી મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા માટે પણ સુચના આપવામાં આવી છે. ભગવાનની મૂર્તિના વિસર્જન બાદ તમામ પંડાલો એક જ દિવસથી વધુ સમય નહીં રાખી શકાય.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ ચતુર્થીથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને શ્રદ્ધાળુઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.