છોટાઉદેપુરના બોડેલીથી મધ્યપ્રદેશ જતાં નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદને લીધે નેશનલ હાઈવેની હાલત બિસ્માર બની છે. જેમાં છોટાઉદેપુરના બોડેલીથી મધ્યપ્રદેશ તરફ જતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તેથી વાહનચાલકો ત્રાસી ગયા છે. ઠેર ઠેર એવા ઊંડા ખાડા પડ્યા છે. કે જેના લીધે વાહનોને પણ નુકશાન થઈ રહ્યું છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ બેજવાબદાર બની ગયા છે.
છોટા ઉદેપુરના બોડેલીથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 એટલી હદે બિસ્માર બની ગયો છે કે, રોડ તો દેખાતો જ નથી. દેખાય છે તો માત્ર ઊંડા ખાડા, જો કે કહેવા માટે તો આ નેશનલ હાઈવે છે પરંતુ કોઈ ગામડાની ગલી કરતા પણ બદ્દતર હાલત આ નેશનલ હાઈવેની છે, વાહનચાલકોનથી કોઈ ચૂક થાય તો વાહન પલટી મારી જાય છે.
વાહનચાલકોના કહેવા મુજબ બોડેલીથી મઘ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઈવે ખૂબજ બિસ્માર હાલતમાં છે. હાઈવેના માર્ગ પર ઠેર ઠેર એવા ખાડા પડી ગયા છે કે, વાહનચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. વાહનોને નુકશાન તો થઈ જ રહ્યું છે, સાથો સાથ ચાલકોના હાડકા પણ ખોખરા થઈ જાય તેવી સ્થિતિ બની છે. તંત્રની બેદરકારીને કારણે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું રાજ છે. ખાસ કરીને બોડેલીથી મઘ્યપ્રદેશની બોર્ડર સુધી આવતા રેલવે બ્રિજ પરથી પસાર થવું અતિ મુશ્કેલ બન્યું છે. વાહનચાલકો એક ખાડાને બચાવે તો બીજા ખાડામાં ખાબકે એવી સ્થિતિ બની છે. માત્ર ખાડા જ નહીં રસ્તાના સળિયા પણ બહાર નીકળી ગયા છે. ત્યારે ડિસ્કો રોડના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ હાઈવે પર નિયમિત જતા-આવતા વાહનચાલકોના કહેવા મુજબ આ નેશનલ હાઈવે પર જૂના અને જર્જરિત બ્રિજો પર જે ખાડા પડ્યા છે. તેને લઈ વાહનચાલકોમાં ભય ફેલાયો છે.જેમાં રેલવે બ્રિજ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે. જે વાહનો જાણે ડોલતા જહાજો જેવા લાગી રહ્યા છે. આ બ્રિજ પર એવા ગાબડા પડ્યા છે કે તેના નીચેના સળિયા પણ દેખાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ તો સળિયા છૂટા પણ પડી ગયા છે. જે જોતા વાહનચાલકોનાં ટાયરો પંકચર પણ કરી શકે છે. આ સ્થિતિમાં વાહન પલટે તો મોટો આકમાત સર્જાય શકે,, તેની જાણે તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિ શું તંત્રને નજરે નથી પડતી તે પણ એક મોટો સવાલ છે તો કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા માર્ગ અને મકાન વિભાગ રસ્તાનું સમારકામ હાથ ધરે તે જરૂરી બન્યું છે.