ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટથી વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ નાબુદ થઈ જશે, ABVPએ કરી રજુઆત
અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ કરી દેવાયો છે. હવે નવી શિક્ષણનીતિ અંતર્ગત ગુજરાત સરકાર કોમન યુનિવર્સિટી એક્ટ લાવી રહી છે. અને એનો મુસદ્દો લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. અને આગામી સપ્ટેમ્બરમાં મળનારા વિધાનસભા સત્રમાં કોમન યુનિવર્સિટીના બિલને મંજુરીની મહોર મારી દેવાશે. ગુજરાત કોમન યુનિવર્સીટી એક્ટમાં સુચિત કેટલીક જોગવાઈ સામે ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપીએ વિરોધ સાથે રજુઆત કરી છે. કહેવાય છે. કે, નવા યુનિવર્સિટી એક્ટમાં યુનિવર્સિટીઓના કૂલપતિઓની સત્તા પર ધરખમ કાપ મુકાશે. સર્વ સત્તાધિશ રાજ્ય સરકાર જ રહેશે. તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિત્વ પણ નાબુદ કરી દેવાશે.
ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટથી વિદ્યાર્થી સંગઠન ABVP અસહમત છે. કેટલાક મુદ્દાઓને લઇને ABVPએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે અને બિલ મૂકવામાં આવે ત્યારે કેટલાક સુધારા કરવામાં આવે તેવી માંગ કરી છે. નવા એક્ટમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ દૂર થશે. આ ઉપરાંત એક્ટમાં અંતિમ સતા ચાન્સેલરને ન આપીને સરકારને આપવામાં આવી છે. FRCઅને ગ્રીવન્સ કમિટીની પણ બાદબાકી થઈ છે. ઉપરાંત શિક્ષણ વિદોની પણ બાદબાકી થઈ જશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવા માટેનો ખરડો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં મળનારા વિધાનસભાના ચોમાસા સત્રમાં ખરડો પસાર થઈ જશે. આ ખરડામાં કેટલીક સુચિત જોગવાઈમાં ફેરફાર કરવા સંદર્ભે ABVPએ શિક્ષણ મંત્રીની મુલાકાત કરી હતી.જોકે કોમન યુનિવર્સિટી એક્ટથી તમામ યુનિવર્સિટીઓ એક ગતિથી એકસુત્રતામાં કાર્ય કરશે. જે બદલ શિક્ષણ મંત્રીને અભિનંદન આપ્યા હતા, પરંતુ કેટલાક મુદ્દે અસહમત હોવાથી તેના સૂચનો કર્યા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કોમન એક્ટમાં સુચિત જોગવાઈ એવી છે. કે, પ્રવેશ, પરીક્ષા અને પરિણામ માટે સરકારી જાહેરાત કરવામાં આવશે, પરંતુ તેમાં એક જ અભ્યાસક્રમ, એક જ સમયે પરીક્ષા અને એક જ સમયે પ્રવેશ પ્રક્રિયાઓ કરવામાં આવશે. જેનાથી વિધાર્થીઓને ધણા ખરા અંશે અનુકૂળતા રહેશે. વિધાર્થીઓને રાજ્યની જ અન્ય રાજ્યકક્ષા યુનિવર્સિટીઓમાં ચાલુ અભ્યાસક્રમમાં એડમીશન ટ્રાન્સફર લેવું સરળ અને ઝડપી બનશે. પણ આવી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી જે કરવી જરૂરી છે. કેટલાક અંશે આ કોમન યુનિવર્સિટી એક્ટને લીધે યુનિવર્સિટીઓની સ્વાયત્તતા પર અસર થવાની સંભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. જેમાં યુનિવર્સિટીઓની મુળભુત સ્વાયત્તતા રહેવી જ જોઈએ. સાથે જ આ એક્ટ હેઠળ યુનિવર્સિટીઓમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવામાં આવશે, જેના ચેરમેન તરીકે ખરડામાં વાઇસ ચાન્સેલર રહશે તેમ જણાવાયું છે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું પાલન થતું નથી છાત્ર સંધ ચૂંટણી થવી તે ખૂબ જરૂરી અને આવશ્યક બાબત છે. જેમાં રજીસ્ટર ગ્રેજ્યુએટની નહીં, પરંતુ વર્તમાન અભ્યાસરત વિદ્યાર્થી પ્રતિનિધિત્વની ચૂંટણી થવી આવશ્યક છે. તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વથી જ વિદ્યાર્થીઓનો અવાજ, વિધાર્થીઓની મુશ્કેલીઓ પ્રશાસન સુધી પહોંચાડી તેનું નિરાકરણ લાવવાનું કાર્ય આ છાત્ર સંઘ દ્વારા જ થતું હોય છે.