નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે, જેના પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની પ્રતિક્રિયા સામે આવી છે. કેશવ પ્રસાદ મૌર્યએ હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે જ્ઞાનવાપીના ASI સર્વેમાં સમગ્ર સત્ય બહાર આવશે. તેમને પૂરી આશા છે કે રામ મંદિરની જેમ આ વિવાદનો પણ નિર્ણય થઈ જશે.
જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે અંગે હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, “હું કોર્ટના નિર્ણયને આવકારું છું, ASI સર્વેમાં તમામ સત્ય બહાર આવશે. મને પૂરી આશા છે કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના આ વિવાદનો ઉકેલ આવી જશે. શ્રી રામજન્મભૂમિની જેમ આ વિવાદનો પણ નિર્ણય થશે અને શિવભક્તોની મનોકામનાઓ પૂર્ણ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સર્વે દ્વારા મુઘલ આક્રમણખોરોએ મંદિરને તોડીને છુપાવી દીધું હતું તે સત્ય બહાર આવશે. જોકે, કોર્ટના આદેશને અમે સ્વિકારીશું.”
અલ્હાબાદ હાઈકોર્ટે આજે જ્ઞાનવાપીના ASI સર્વે અંગે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી અને સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. મુસ્લિમ પક્ષે સર્વે પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી કે સર્વેથી માળખાને નુકસાન થશે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે. આ સાથે જ્ઞાનવાપીનો સર્વે ગમે ત્યારે શરૂ થઈ શકે છે, બીજી તરફ મુસ્લિમ પક્ષે નિર્ણય માટે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી છે. મુસ્લિમ પક્ષ એક-બે દિવસમાં SCમાં અપીલ કરી શકે છે.