કચ્છ: સીસીટીવી કેમેરા અને વાઇફાઇની સુવિધા સાથે ભીમાસર બન્યું સ્માર્ટ ગામ
- ભીમાસરની મુલાકાત નેપાળના પૂર્વ તેમજ અત્યારના વડાપ્રધાન લઈ ચૂક્યા છે
- ગામને રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના ઘણા એવોર્ડ પણ મળ્યાં
અમદાવાદઃ અંદાજે 15,000ની વસ્તી ધરાવતા ભીમાસર ગામમાં પાકા રોડ રસ્તા, પાણીની 24 કલાક સુવિધા, સ્ટ્રીટ લાઇટો, ડિજિટલ પંચાયત, સીસીટીવી કેમેરા તેમજ વાઇફાઇની સુવિધા છે. ભીમાસર ગામમાં સૂચના આપવા માટે વિશેષ સાયરન સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયત કચેરીએથી અપાતી લોકપયોગી સૂચના ગામમાં લગાવેલ લાઉડસ્પીકર મારફતે ક્ષણભરમાં ગ્રામ્યજનો સુધી પહોંચી શકે છે. ગામના મુખ્ય રસ્તાઓ પર દેશની મહાન વિભૂતિઓના સ્ટેચ્યુ મુકવામાં આવેલ છે.
ભીમાસર ગામમાં બેન્ક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાની સાથોસાથ લાઇબ્રેરી પણ છે. જેમાં અખબારો,પુસ્તકો જેવી વિવિધ વાંચન સામગ્રીનો સદુપયોગ ગ્રામજનો કરે છે. સ્માર્ટ ક્લાસરૂમ ધરાવતી શાળા શહેરી શાળાને પણ ટક્કર આપે એવી છે. સફાઈ માટે ડોર ટુ ડોર જઈને કચરો એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવે છે. ભીમાસર ગામની 108 એમ્બ્યુલન્સ તેમજ પશુઓ માટેની એમ્બ્યુલન્સનો ગ્રામ્યજનોને ઘણો લાભ મળેલ છે.
સરહદી જિલ્લા કચ્છનું એક એવું સ્માર્ટ ગામ કે જેની મુલાકાત લેવા દેશ-વિદેશના અનેક મહાનુભાવો લઈ ચુક્યા છે. છેલ્લા બે દાયકાથી મોડેલ ગામ તરીકે પ્રખ્યાત થયેલા ભીમાસરની મુલાકાત નેપાળના પૂર્વ તેમજ અત્યારના વડાપ્રધાન લઈ ચૂક્યા છે, તો બાંગ્લાદેશનું પ્રતિનિધિ મંડળ, વિશ્વ બેંકના પ્રતિનિધિઓ તેમજ ભારતના જુદા-જુદા રાજ્યોના મહાનુભાવો મુલાકાતે આવી ચૂક્યા છે. ગામને રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના ઘણા એવોર્ડ પણ મળ્યાં છે.