પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રહે તે માટેનો આપણો સહિયારો સંકલ્પ હોવો જોઈએ: CM
અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે રાજ્યના તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા તાલુકા અને જિલ્લા કક્ષાએ વધુ સુદ્રઢ કરવા તથા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશનની માફક કામ કરવા અનુરોધ કર્યો હતો. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાનેથી સીએમ ડેશબોર્ડના માધ્યમથી બંને મહાનુભાવોએ કલેકટર્સ- ડીડીઓ સાથે સંવાદ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી કૃષિમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય તે માટે સતત ચિંતિત છે. પ્રાકૃતિક ખેતી પરિણામદાયી ત્યારે જ કહેવાશે જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે ઓછો કરી શકીશું. રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગથી ભારતની ભૂમિ વેરાન થઈ ગઈ છે, હવા અને પાણી પ્રદૂષિત થયા છે, ગ્લોબલ વૉર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉકેલ છે. આપણે પ્રાકૃતિક ખેતીને મિશન બનાવીને દેશમાં મોટી ક્રાંતિ કરી શકીશું અને તો નરેન્દ્ર મોદીના સપનાનું માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર હિન્દુસ્તાન બનાવી શકીશું.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોના વેચાણ માટે માર્કેટની સુદ્રઢ અને સુનિશ્ચિત વ્યવસ્થા કરવા તથા દર મહિને એ વ્યવસ્થાની સમીક્ષા કરવા કલેકટર્સ-જિલ્લા વિકાસ અધિકારીઓને અનુરોધ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ દર અઠવાડિયે રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક બજાર ભરાય એ સુનિશ્ચિત કરીએ. 10-10 ગામોના ક્લસ્ટર્સમાં ખેડૂતોને તાલીમ આપી રહેલા કૃષિ વિભાગના કર્મચારી અને ખેડૂત જ પ્રાકૃતિક ખેત પેદાશોને પ્રમાણિત કરશે અને પ્રાકૃતિક ખેત પેદાશો જ પ્રાકૃતિક બજારમાં વેચાય તેની ખાતરી કરશે. તેમણે પ્રત્યેક તાલુકામાં પ્રાકૃતિક ખેતીના આદર્શ ફાર્મ બને એવા પ્રયત્નો કરવા અને મોડેલ ફાર્મ દ્વારા ખેડૂતોને પ્રેરણા આપવા પણ અનુરોધ કર્યો હતો. જો પ્રમાણિકતાપૂર્વક આ દિશામાં આપણે આ ગતિથી કામ કરીશું તો આગામી બે વર્ષમાં આપણે આપણા ગુજરાતને સો એ સો ટકા ઝેરમુકત ગુજરાત બનાવી શકીશું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ક્લસ્ટર્સ આધારિત તાલીમ અભિયાનથી દર મહિને સરેરાશ ૩ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ રાજ્ય સરકાર વિનામૂલ્યે આપે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવનારી પેઢીના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા પ્રતિબદ્ધ છે ત્યારે તમામ કલેકટર્સ અને ડીડીઓ આ ઈશ્વરીયકાર્યમાં પ્રમાણિકતાપૂર્વક સક્રિયતાથી જોડાશે તો આપણી આવનારી પેઢીને, લોકોના સ્વાસ્થ્યને, ધરતી માતાને, ગાય માતાને અને પર્યાવરણને બચાવી શકીશું. ખેડૂતોની આવક બમણી કરી શકીશું. ભારતની ભૂમિને સશ્ય શ્યામલામ્ બનાવી શકીશું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લોકોનું અને જમીનનું બેયનું સ્વાસ્થ્ય સુધરે, જીવન નિરોગી અને સુખમય બને તે માટેનો આ પ્રાકૃતિક ખેતીનો માર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને ચીંધ્યો છે. પીએમએ રાસાયણિક ખાતરોના ઉપયોગથી જે સમસ્યાઓ આવી રહી છે તેના નિવારણનું વિઝન પ્રાકૃતિક ખેતીની મુહિમથી આપ્યું છે. ગુજરાત સરકાર આ મુહિમમાં સક્રિયતાથી જોડાઈને સારાં પરિણામો આપતી આવી છે. પ્રાકૃતિક ખેતીની મુહિમમાં પોણા આઠ લાખથી વધુ ખેડૂતો જોડાયા છે ત્યારે જિલ્લાના વહીવટી વડા તરીકે કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેને વધુ પરિણામકારી અને વ્યાપક બનાવે તે પણ એટલું જ આવશ્યક છે એવો સ્પષ્ટ નિર્દેશ શ્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો.
મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, તેમના સેવાકાળ દરમિયાન જનસેવા અને લોકહિતના સારા કામોની જે તક મળી છે તેમાં પ્રાકૃતિક ખેતીને પ્રાયોરિટી આપવી જોઈએ. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પોતાના જિલ્લામાં ખેડૂતોની, ગામોની મુલાકાત દરમિયાન તેમના તરફથી પ્રાકૃતિક ખેતી સંદર્ભમાં આવતા પ્રશ્નો કે રજૂઆતો રાજ્ય સરકાર સુધી પહોંચાડીને તેનું સમાધાન લાવી શકાશે.