ગુજરાત યુનિ. કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના મુદ્દે NSUIનો હોબાળો
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના મુદ્દે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ હોસ્ટેલમાં NSUIના કાર્યકરોએ જઈને ‘ન્યાય આપો’ના નારાબાજી સાથે હોબાળો કર્યો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જમવાની, પીવાના પાણીની તથા વીજળીની સુવિધા પણ મળતી ન હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા દેખાવો કરાયા હતા. ત્યાર બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અને તાત્કાલિક સુવિધા પૂરી પાડવા સૂચના આપવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સરકારી સમરસ હોસ્ટેલ આવેલી છે. બોયઝ હોસ્ટેલમાં 400 વિદ્યાર્થીઓ રહે છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રજુઆતો કરવા છતાં હોસ્ટેલના સત્તાધિશો સાંભળવાની તસ્દી પણ લેતા નહતા. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જે જમવાનું આપવામાં આવે છે તે ગુણવત્તાયુક્ત હોતું નથી. આ સિવાય હોસ્ટેલના બાથરૂમમાં નળ તો છે પણ પાણી નથી. હોસ્ટેલના રૂમમાં પંખા ચાલતા નથી એટલે કે હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓના જ અભાવ છે આ મુદ્દે. વિદ્યાર્થીઓ એડમિશન રદ્દ થવાના ડરે ફરિયાદ કરી શકતા નથી, જેથી NSUI દ્વારા હોસ્ટેલમાં હોબાળા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર જમવા વિશે, પીવાના પાણી વિશે અને વીજળીની ફરિયાદ કરવામાં આવે છે પરંતુ, તેનામાં કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી. અહીંયા જે અધિકારી છે, તેમની જગ્યાએ બીજા અધિકારીને મૂકવામાં આવે જેથી વિદ્યાર્થીઓને સગવડ મળી રહે. આ અંગે સમાજ કલ્યાણ અધિકારી કે. ટી વાઘેલાએ જણાવ્યું હતું કે, હું આવ્યો ત્યારથી વિદ્યાર્થીઓની સુવિધામાં સુધારો કરવામાં આવ્યો છે તેમ છતાં વિદ્યાર્થીઓને જે સમસ્યા હશે તેનું નિરાકરણ લાવવામાં આવશે.