જમ્મુ-કાશ્મીરના બોર્ડર એરિયામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ ફાયરિંગ થયું છે. તાજેતરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો હતો. તેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાની વળતી કાર્યવાહીથી પાકિસ્તાનના પગ પેટમાં પેસી ગયા છે અને પીઓકેમાં કામ કરી રહેલા 50 ચીની નાગરીકોને તાત્કાલિક ત્યાંથી સુરક્ષિત સ્થાનો પર લઈ જવા પાકિસ્તાન મજબૂર બન્યું છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આ ચીની નાગરિક એક હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા હતા. આ સમગ્ર વિસ્તાર લાઈન ઓફ કંટ્રોલની આસપાસનો છે, પરંતુ જેવું ભારતે પાકિસ્તાની સેનાના ગોળીબાર સામે જવાબ આપવાનું સરૂ કર્યું, તો પાકિસ્તાની રેન્જર્સે પહેલા આ ચીની નાગરિકોને અહીંથી કાઢવાનું જ મુનાસિબ માન્યું હતું.
મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનમાં ચીનની મદદથી ઘણાં પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી એક નીલમ અને ઝેલમ નદી પર ડેમ બનાવવાનું પણ કામ થઈ રહ્યું છે. પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ, વિસ્તારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અખ્તર અય્યૂબે નિવેદન આપ્યું છે કે જવાબી કાર્યવાહી એટલી ઝડપી હત કે લોકોને કાઢવા પડયા હતા.
પાકિસ્તાનનો આરોપ છે કે ભારતીય ગોળીબારમાં બોર્ડરની નજીકના વિસ્તારમાં ત્રણ ગ્રામીણોના મોત નીપજ્યા છે. જો કે ભારત તરફ પણ પાકિસ્તાની ફાયરિંગમાં ખાસુ નુકસાન થયું છે. પાકિસ્તાન ગત ત્રણ દિવસથી સતત બોર્ડર વિસ્તારમાં ફાયરિંગ કરી રહ્યું છે.
ભારત તરફથી સતત તેને ચેતવણી આપવામાં આવી રહી હતી. પરંતુ પાકિસ્તાન છે કે માની જ રહ્યું નથી. તેના કારણે ભારતીય જવાનોએ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. તાજેતરમા પાકિસ્તાને રાજૌરી સેક્ટરમાં પણ યુદ્ધવિરામ ભંગ કર્યો હતો.
પાકિસ્તાન તરફથી ભારતના નાયબ હાઈકમિશનર ગૌરવ અહલુવાલિયાને પણ સમન મોકલવામાં આવ્યું છે અને બોર્ડર પર થઈ રહેલા ફાયરિંગ સંદર્ભે જાણકારી આપવામાં આવી છે.