અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં એએમસી દ્વારા નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં સીટીએમ ચાર રસ્તા નજીક ઇન્દ્રપુરી વોર્ડમાં સબ ઝોનલ પાસે લોક દરબારના કાર્યક્રમ દરમિયાન આસપાસમાં આવેલી સોસાયટીઓની મહિલાઓએ હોબાળો કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી સીટીએમ એક્સપ્રેસ-વેના સર્વિસ રોડ પાસે દબાણો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી ગઈ હતી. જે મામલે મ્યુનિ.ના સત્તાધિશો અને પોલીસમાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી સોમવારે એએમસીના કાર્યક્રમમાં મહિલાઓએ આવી અને રોડ ઉપર હોબાળો કર્યો હતો. મહિલાઓએ થાળી વગાડી રોડ ઉપર બેસી અને રોડને બ્લોક કરી દીધો હતો. આથી ભાજપના કોર્પોરેટરો સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા. દરમિયાન ઇન્દ્રપુરી વોર્ડના ભાજપના કોર્પોરેટર અને લીગલ કમિટીના ચેરમેન કૌશિક પટેલે મહિલાઓને સમજાવી મામલો થાળી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા સીટીએમ ચારરસ્તાથી એક્સપ્રેસ હાઈવેના સર્વિસ રોડ પર લારીગલ્લા સહિત દબાણો થયેલા છે. જેથી રોડ સાંકડો બની જતાં લોકોને મુશ્કેલી પડી રહી છે. આ અંગે ઈન્દ્રપુરી વોર્ડના નાગરિકોએ એએમસીના સત્તાધિશો તેમજ પોલીસને પણ અવાર-નવાર રજુઆતો કરવા છતાંયે દબાણો હટાવવામાં આવતા નથી.આથી સોમવારે એએમસીના ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહિલાઓએ રસ્તો બ્લોક કરીને વિરોધ કર્યો હતો.
સીટીએમ એક્સપ્રેસવે નજીક આવેલી આનંદ કોલોનીની 50 જેટલી મહિલાઓએ સબ ઝોનલ ઓફિસ નજીક અને બહાર રોડ ઉપર આવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ રોડ ઉપર આવીને બેસી ગઈ હતી અને રસ્તો બ્લોક કરી દીધો હતો. એક્સપ્રેસ-વે નજીક સર્વિસ રોડ આવેલો છે, જેના ઉપર અનેક લારી, ગલ્લાઓ, ટ્રાવેલ્સવાળાની ઓફિસો બની ગઈ છે. એક્સપ્રેસ-વે નજીક ગેરકાયદેસર પ્રવૃતિઓ વધી છે જેના પગલે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના કોર્પોરેટરો તેમજ પોલીસને અવારનવાર રજૂઆત કરી છે. છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ આવી હોબાળો કર્યો હતો.
આ અંગે આ વિસ્તારના ભાજપના કોર્પોરેટર અને લિગલ કમિટીના ચેરમેન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, સર્વિસ રોડ ઉપર દબાણ અંગે મહિલાઓ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેના પગલે રોડ પરથી લારીગલ્લા દૂર કરવા માટેની સૂચના આપી દીધી છે અને કાયમી ધોરણે હવે ગલ્લા દૂર કરવામાં આવશે. સીટીએમ ચાર રસ્તા ઉપર જે પોલીસ અને બીઆરટીએસ દ્વારા રોડ બંધ કરી દેવામાં આવ્યો છે તેને ચાલુ કરાવવાના પ્રયત્નો કરવામાં આવશે. સર્વિસ રોડ ઉપરની સોસાયટીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, તેને ધ્યાનમાં લઇ તાત્કાલિક સર્વેયરને બોલાવીને સર્વે કરાવડાવવામાં આવશે અને જેટલું પણ દબાણ હશે તે દૂર કરવામાં આવશે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેને અમે યોગ્ય સ્થાને રજૂઆત કરીશું.