ગુજરાતમાં મ્યુનિ.ની 30 બેઠકોની પેટાચૂંટણી, ભાજપને 21 અને કોંગ્રેસને 9 બેઠકો, આપ’ની ડિપોઝિટ જપ્ત
અમદાવાદઃ ગુજરાતમાં મ્યુનિ.કોર્પોરેશનની એક અને નગરપાલિકાની 29 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ફરી ભાજપે 21 બેઠકો પર જીક મેળવી હતી. જેમાં સુરતની મ્યુનિ. કોર્પોરેશનની એક બેઠકની યોજાયેલી પેટાચૂંટણી જીતી લીધી છે. વોર્ડ નં.20ની સામાન્ય બેઠક પર ભાજપના રાજેશભાઈ રાણા વિજેતા થયા છે. ભાજપે દાવો કર્યો છે કે કુલ જે 30 બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં 21 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ પક્ષને 8 બેઠક અને એક બેઠક પર અપક્ષ વિજેતા થયા છે. જો કે આ ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ વિવિધ બેઠકો પર 12 જેટલા ઉમેદવાર ઉભા રાખ્યા હતા તે તમામ પરાજીત થયા છે. કોંગ્રેસ પક્ષે દાવો કર્યો છે કે તેનો દેખાવ સુધર્યો. શક્તિસિંહ ગોહિલે ટવીટ કરીને જણાવ્યું કે જે પેટાચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસ પાસે પાંચ જ બેઠક હતી. હવે નવ બેઠકો જીતી છે અને પક્ષ જંબુસર, ડિસા, આણંદ, મોડાસા, પાલનપુર, પાલીતાણા બેઠક જીતી છે. કોંગ્રેસનો ઠાસરામાં માત્ર બે મતે અને મુંદ્રામાં ચાર મતે પરાજ્ય થયો હતો.
રાજ્યમાં મ્યુનિ. કોર્પોરેશન અને નગરપાલિકાની ખાલી પડેલી 30 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જેનું પરિણામ મંગળવારે જાહેર થતાં ભાજપે 30માંથી 21 બેઠકો પર જીત મેળવી હતી. જોકે, આઠ બેઠક પર કોંગ્રેસે બાજી મારી હતી. પાલનપુર નગરપાલિકાની વોર્ડ નંબર-4 ની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીમાં 37.96 ટકા મતદાન થયું હતું. આ વોર્ડના કોંગ્રી નગરસેવક મહંમદભાઈ મન્સૂરીએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હતું. જેના કારણે પેટા ચૂંટણી યોજાઇ હતી. આ બેઠક અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ચાર ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપે અરબ નદીમ મહંમદ અને કોંગ્રેસે રાજીનામુ આપનાર જ મહંમદભાઈ મન્સુરીને ટિકિટ આપી હતી. કુલ 12 બુથ માટે ત્રણ સ્કૂલોમાં મતદાન પ્રક્રિયામાં 37.96 ટકા વોટિંગ થયું હતું. 13 રાઉન્ડની મતગણતરીમાં ફરીથી કોંગ્રેસના મહંમદભાઈ મન્સુરી 48 વોટથી જીત થઇ હતી.
જ્યારે ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર-4માં અપક્ષના ઉમેદવારે રાજીનામું આપતાં આ બેઠક ખાલી હતી. અહીં પણ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા. આ પેટા ચૂંટણીમાં 8000 ઉપરાંત મતદારોમાંથી 3600 જેટલા મતદારોએ મતદાન કરતા 43 ટકા મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીને 2024, ભાજપના ઉમેદવાર કાંતિલાલ લોધાને 1122 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગ્નેશ દેસાઈને 431 મળ્યા હતા. જ્યારે 36 મત નોટામાં ગયા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીનો 902 મતે વિજય થયો હતો. ડીસામાં ઘણા સમય બાદ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. તેમજ પાલીતાણા નગરપાલિકાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ત્રણ બેઠકમાં કોંગ્રેસ અને બે બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. વોર્ડ નંબર -1 માં ખાલી પડેલી ત્રણ બેઠક પર 55.24 ટકા મતદાન થયું હતું. જેમા્ં કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ સાગઠીયા, કિરનબેન કૂકડેજા અને અલારખીબેન અબડાની જીત થઇ છે. જ્યારે વોર્ડ નંબર-7ની ખાલી પડેલી બે બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ ગઢવી અને રેખાબેન મકવાણાએ બાજી મારી હતી