ઉત્તરપ્રદેશ વિધાનસભામાં અખિલેશ યાદવ અને વિપક્ષ ઉપર સીએમ યોગી આદિત્યનાથે કર્યાં આકરા પ્રહાર
લખનૌઃ ઉત્તરપ્રદેશની વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મોંઘવારી અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે બટાટા અને મંડીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે ઈંડા બજારને લઈને પણ સરકારને ઘેરવામાં આવી હતી. અખિલેશે બંધ મિલ્ક પ્લાન્ટને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અખિલેશ યાદવ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, અખિલેશ યાદવ ખેડૂતો ગરીબોનું દુઃખ સમજી શકશે નહીં. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વિપક્ષ રાજ્યના અન્નદાતાઓ પર ચર્ચા કરી રહ્યો છે. મને નવાઈ લાગે છે કે વિપક્ષને MSP શું છે એ ખબર નથી. શિવપાલજીએ તમને કહેવું જોઈતું હતું. ડાંગરના MSPમાં વધારો કરવામાં આવ્યો છે.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, નવ નદીઓને પુનર્જીવિત કરવામાં આવી છે. રાજ્યમાં અગાઉ વીજ પુરવઠાની શું સ્થિતિ હતી તે કોઈનાથી છુપાયેલું નથી. અગાઉ, માત્ર થોડા જ જિલ્લા હતા જ્યાં સંપૂર્ણ પુરવઠો હતો. અમે ફીડરને અલગ કરીને ખેડૂતોને મફત વીજળી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટ્યુબવેલને સોલારથી ચલાવવાની તૈયારી કરી રહ્યાં છીએ. ઘણા ખેડૂતોને આનો ફાયદો થયો છે અને ઘણા લોકો સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે. આ સાથે રાજ્યમાં જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, પહેલા સમાજવાદી કેડર અને સમાજવાદી પાર્ટી કાર્યાલય નક્કી કરતી હતી કે, આવાસ યોજનાનો લાભ કોને મળશે. જો કે, 2017 થી અત્યાર સુધીમાં 5520000 લોકોને મકાનો મળ્યા છે. જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે સમાજવાદી પાર્ટીની સરકાર હતી. તેઓએ ગરીબોને ઘર પણ નથી આપ્યું. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વિપક્ષ પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે હવે સરકારના આયુષ્માનને કારણે ગરીબોને જે સુવિધાઓ મળી રહી છે તે જોઈ શકતી નથી. અમને એક જર્જરિત સિસ્ટમ વારસામાં મળી હતી, તેને ઠીક કરવામાં સમય લાગે છે. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ સાપના ડંખ, વન્યજીવ કે બળદના હુમલાથી થાય તો તેને આપત્તિની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. આવું કરનાર ઉત્તર પ્રદેશ પ્રથમ રાજ્ય છે.