1. Home
  2. ગુજરાતી
  3. નેવીલ રોય અને ચીની પ્રોપાગેન્ડાનો વાયરસ 
નેવીલ રોય અને ચીની પ્રોપાગેન્ડાનો વાયરસ 

નેવીલ રોય અને ચીની પ્રોપાગેન્ડાનો વાયરસ 

0
Social Share

(સ્પર્શ હાર્દિક)

લેટિન શબ્દ ‘પ્રૉપાગારે’ પરથી અંગ્રેજીમાં અવતરી આવેલા ‘પ્રૉપાગેટ’નો અર્થ થાય છે : વિચાર, માહિતી, જ્ઞાન, વગેરેનો ફેલાવો કે પ્રચાર કરવો, વંશવૃદ્ધિ કરવી, સંખ્યા વધારવી કે વિતરણ કરવું. અર્થ પરથી એકંદરે હકારાત્મક જણાતો આ શબ્દ જ્યારે પૉલિટિકલ વાઘા પહેરે છે ત્યારે તેનો અર્થ રંગ બદલી લે છે. સદીઓ પહેલાં કૅથલિક ચર્ચ દ્વારા ધર્મપ્રસારની જે પ્રવૃત્તિ આદરવામાં આવેલી, એના માટે પ્રૉપાગેટ શબ્દ પ્રથમવાર પ્રયોજાયો હોવાની નોંધ મળે છે. આગળ જઈને પ્રૉપાગેટ નકારાત્મક શબ્દ બની જાય છે. પ્રોપાગેન્ડા એટલે જેને પ્રૉપાગેટ કરવાની છે તે સઘળી બાબતો. આ પ્રોપાગેન્ડા હકારાત્મક પણ હોઈ શકે એવી સંભાવના હવે કોઈ વિચારતું નથી, વિચારી શકાય એવું વાતાવરણ પણ નથી રહ્યું. 

ભારત લાંબા સમયથી બહારનાં ભેજાંઓની ઊપજ જેવા પ્રોપાગેન્ડાનો શિકાર બનતું આવ્યું છે. કૉલૉનાઇઝેશન દરમિયાન બ્રિટિશ અને મિશનરી પ્રોપાગેન્ડા ચાલ્યો. આઝાદી પછી લાંબા સમય સુધી રશિયન અને કૉમ્યૂનિસ્ટ પ્રકારનો પ્રોપાગેન્ડા જોર કરતો હતો. એકવીસમી સદીમાં કોઈ નવા પ્રકારનો પ્રોપાગેન્ડા ચાલી રહ્યો છે, જેને એક નામ આપવું કપરું છે અને જેને સૌ પોતાની મતિ પ્રમાણે અલગ અલગ નામથી સંબોધે છે. એનાં ઉદ્ગમ સ્થાન ઘણી બધી જગ્યાએ છે, પણ એનું ટાર્ગેટ એક જ છે – ભારતને શક્તિશાળી બનતું અટકાવવું. 

ઑફ કૉર્સ, ભારત એટલે અહીં કોઈ એક પક્ષ કે અમુક માણસો કે એક મોટી ટોળકી એવો અર્થ નથી કરવાનો. દેશની વ્યાખ્યા આ બધાથી ઉપર છે. સરકાર કે સરકારના અંગ જેવા કોઈ પણ માણસની ઉચિત અને સાચી ટીકા આપણી લોકશાહી માટે આવશ્યક છે, પરંતુ વાત ત્યારે હદ વટાવે છે જ્યારે દેશનું અહિત કરવાના કપટી ઇરાદાથી, અંગત સ્વાર્થ કે વિકૃત માનસિકતાથી પ્રેરાઈને પ્રોપાગેન્ડા ચલાવવામાં આવે. થોડા દિવસથી ન્યુયૉર્ક ટાઇમ્સના એક અહેવાલથી ભારતના મીડિયા જગતમાં ખાસ્સી હલચલ મચી ગઈ છે. આ પછી જાગેલી ચર્ચાના કેન્દ્રમાં છે, ચાઇનિઝ પ્રૉપાગૅન્ડા મશીનને ચલાવનાર નેવીલ રોય સિંઘમ નામધારી માણસ અને ન્યુઝક્લિક વેબસાઇટ. આમ તો આવી ઘટનાથી વધારે આશ્ચર્ય ન થવું જોઈએ, કેમ કે ચીનનું મન કેટલું મેલું છે એ હકીકત વિશ્વનો દરેક સમજદાર નાગરિક આજે જાણી ચૂક્યો છે. ઉપરાંત ભારતમાં રહીને જ દેશને અંદરથી ખોતરનારાં લોકોની ક્યાં કમી છે! 

નેવીલ રોય અને ન્યુઝક્લિકનું કામ ચીનની ખરડાયેલી છબિ પર સુંદર લીંપણ કરવાનું અને ખોટી માહિતી દ્વારા જનમાનસમાં ભ્રામક વિચારો પ્રસરાવવું રહ્યું છે. શ્રીલંકન મૂળના પિતાનું અમેરિકન સંતાન, એવો સિત્તેરનો થવા આવેલો નેવીલ ચીની સરકાર સાથે હળીમળીને ઘણું કરી રહ્યો છે. જેમ કે, ઉઈગર મુસ્લિમોના દમન અને સંહારની હકીકત પર ઢાંકપિછોડો, નિષ્ફળ ગઈ હોવા છતાં કૉમ્યૂનિસ્ટ-માર્કર્સિસ્ટ આઇડિયોલોજીને મહાન દેખાડવાનો પ્રયાસ કરતાં વિડિયો સ્પૉન્સર કરવા, ચીનની ટીકાઓ સામે લંડન જેવા શહેરમાં વિરોધ પ્રદર્શનો અને સાઉથ આફ્રિકાના દેશોમાં રાજકિય દખલગીરી જેવાં ઇત્યાદિ કાર્યોમાં સીધી કે આડકતરી રીતે એની સંડોવણીની વાતો ઊઘડી છે. સાઉથ આફ્રિકાના એક વ્યક્તિનું તો એવું પણ કહેવું છે કે આફ્રિકા ખંડની સામાજિક ચળવળ જાણે સંપૂર્ણ રીતે ચીની કમ્યૂનિસ્ટ પાર્ટીની વિદેશનીતિ દ્વારા હાઇજેક થઈ ગઈ છે. નેવીલની પત્ની જૉડી ઍવન્સ, જે લાંબો સમય ચીનની ટીકા કરતી આવેલી, એ પણ ૨૦૧૭માં નેવીલને પરણ્યા પછી પતિના સૂરમાં સૂર પુરાવતી થઈ ગઈ. ચીનમાં સ્વતંત્ર મીડિયા જેવું કંઈ છે જ નહીં, અને વિશ્વની નજરે સરકારી મીડિયા પોતાનામાં એક મજાક જેવું છે. આવી પરિસ્થિતિમાં ચીન અઢળક પૈસા વહાવીને પરોક્ષ રીતે ઇમેજ ક્લિન કરવાનો પરિશ્રમ કરતું જણાય છે.

ભારતમાં, ૨૦૨૧માં ઈ.ડી.ની તપાસમાં જાહેર થયેલું કે ૩૮ કરોડનું શંકાસ્પદ ભંડોળ વિદેશથી ન્યુઝક્લિકને મળેલું, જેનો છેડો નેવીલ રોય સુધી પહોંચતો હતો. ત્યારથી જ આ બંને શંકાના ઘેરામાં હતા. વર્તમાનમાં નેવીલ અને ન્યુઝક્લિકના કાંડ પર ન્યુયૉર્ક ટાઇમ્સનો અહેવાલ પ્રગટ થયો એ પાછળનો હેતુ પ્રથમ નજરે વેસ્ટર્ન મીડિયા અને અમેરિકા દ્વારા ચીનનું ડહોળું ચરિત્ર વધું ડહોળું કરવાનું છે. એ યાદ રાખવું જરૂરી કે ભારત વિશે પણ અવારનવાર વેસ્ટનું મીડિયા કુપ્રચાર કરતું રહે છે, પરંતુ આ કિસ્સામાં સારી વાત એ, કે ન્યુયૉર્ક ટાઇમ્સના અહેવાલથી ચીની પ્રોપાગેન્ડાનો વિષય લાંબા સમય બાદ ફરી ચર્ચામાં આવ્યો. 

ત્રાસવાદીઓના સ્લીપર સેલ જેમ નેવીલ અને ન્યુઝક્લિકના માણસોનું નામ વિનાનું સંગઠન ગુપ્ત રીતે ચીન તરફી વાતોનું સીફતપૂર્વક રટણ કરી, એકબીજાના મતનો પડઘો પાડીને ઇન્ટરનેટ પર પોતાના અવાજો સતત ગુંજતા રાખે છે. આ ચીની હવા અગાઉ પણ ભારતીયોના દિમાગને અડકી જ હતી. આઝાદી પછી ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ કરનાર આપણને કેવું ફળ મળ્યું એ સૌ કોઈ જાણે છે. વાચકોની સ્મૃતિ સારી હશે તો એમને યાદ હશે કે થોડાં વર્ષો પહેલાં ભારતીય માડિયામાં ચીને કરેલા વિકાસ, એનાં અદ્યતન શહેરો અને ત્યાંનાં લોકોનું ઝાકમઝોળ જીવન, વગેરે વિશે સારી સારી વાતો ફેલાતી હતી. ચીની રમકડાં અને ઉપકરણો જોઈને ભારતીયો એમની બુદ્ધિના સહજ રીતે વખાણ પણ કરી લેતાં. આજે ચીનના વિકાસની કાળી હકીકતો ધીમે ધીમે બહાર આવી રહી છે. કોરોના મહામારી પછી ચીન પ્રત્યે વિશ્વના ઘણા દેશના લોકોનું વલણ પલટાયું છે. 

નોંધવાનું એ, કે અહીં ચીનના એવાં લોકો પ્રત્યે દુશ્મનાવટને પ્રેરવાનો આશય નથી, જે ખુદ સરકારી પંજા તળે દબાયેલાં રહીને લાચારીમાં જીવન ગુજારે છે. પ્રજાનું દમન કે શોષણ કરીને હાંસલ કરેલો વિકાસ અંતે તો બોદો જ સાબિત થાય છે. અલીબાબા જેવી ટૅક-જાયન્ટ કંપનીના કૉ-ફાઉન્ડર અને ચીનના સૌથી ધનાઢ્ય માણસોમાંથી એક, જૅક મા પણ જ્યાં સરકારી નીતિની ટીકા કર્યા પછી ભેદી રીતે ત્રણ વર્ષ સુધી જનતાની નજરમાંથી લગભગ ગાયબ થઈ જાય, તો ત્યાંના સામાન્ય નાગરિકોના સ્વાતંત્ર્ય વિશે તો વાત જ શું કરવી! આવું ચીન વિકાસનું આદર્શ મોડેલ જરા પણ નથી. હા, તેની ભૂલોમાંથી કે સારી બાબતોમાંથી કંઈક શીખી જરૂર શકાય, પણ આપણા દેશમાં ચીની મોડેલ પ્રત્યે આંધળું આકર્ષણ વધે એવી ભ્રામક માયાજાળનું ફેલાવું ભવિષ્યની પેઢીઓ માટે જોખમી છે. કારણ કે આજની પેઢીના માનસમાં રોપવામાં આવેલો વિચાર ધીમે ધીમે પાંગરીને નજીકના ભવિષ્યમાં એની અસર દેખાડશે જ. 

‘રંગ દે બસંતી’ ફિલ્મનો લોકપ્રિય થયેલો સંવાદ છે – ‘કોઈ પણ દેશ પરફેક્ટ હોતો નથી, એને પરફેક્ટ બનાવવો પડે છે.’ પરફેક્ટ બનાવવા માટે કરવું પડતું સઘળું કરવું જોઈએ. યોગ્ય ટીકાઓ પણ થવી જોઈએ અને ખામીઓ તરફ આંગળી પણ ચીંધાવી જોઈએ. કિન્તુ જો ટીકાઓ પાછળ જનમાનસમાં ઝેર ભેળવવાનો કે દેશનું મૉરાલ તોડવાનો હેતુ સંતાયેલો હોય તો એ પ્રકારના પ્રોપાગેન્ડાને જાકારો જ આપવો રહ્યો. નેવીલ રોય અને ન્યુઝક્લિક જેવા લોકો અને સંગઠનો છીંડે ચડ્યા ચોર છે એમ કહી શકાય, કારણ કે આવાં તો ઘણાં જાહેરમાં અને ગુપ્ત રીતે પણ દેશનું અહિત કરવામાં લાગેલા છે. નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે એમને બરાબર ઓળખીને એમના પ્રભાવમાં આવ્યા વગર સત્યને, દેશને સમર્પિત રહીએ.  

hardik.sparsh@gmail.com

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code