મણિપુરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તૈનાત, પહાડી અને ઘાટીમાં 123 ચોકીઓ ઉભી કરાઈ
નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસા બાદ હવે ધીમે-ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. જો કે, ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હજુ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હિંસાગ્રસ્ત વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પહાડી અને ઘાટીમાં લગભગ 123 જેટલી ચોકીઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત સઘન વાહન ચેકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા ઉપર પણ સઘન નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 900થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી હિંસાથી પ્રભાવિત મણિપુર રાજ્યમાં ફરીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે આવશ્યક સુરક્ષા ઉપાય કરવાના આદેશ અપાયા છે.
પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા વિષ્ણુપુર અને અરમતાલ જિલ્લામાં સીમા અને સંવેદનશીલ વિસ્તારોમાં તલાશી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઇમ્ફાલ પૂર્વી જિલ્લા પોલીસે તલાશી અભિયાન દરમિયાન બે હથિયાર જપ્ત કર્યા હતા.
પહાડી અને ઘાટી બંને જિલ્લાઓના વિભિન્ન સ્થળો પર કુલ 123 ચોકીઓ શરુ કરાઈ છે, પોલીસે રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાં ઉલ્લંઘનના મામલે 924 વ્યક્તિઓની અટકાયત કરી છે. રાજ્યમાં આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન માટે રાષ્ટ્રીય રાજમાર્ગ 37 પર 158 ભરેલા વાહનો અને રાષ્ટ્રીય રાજમાર્ગ 2 પર અન્ય 159 ભરેલા વાહનોની અવરજવર માટે કડક સુરક્ષા કરવામાં આવી છે.