‘મારી માટી મારો દેશ’ અભિયાન, 14 લાખથી વધુ લોકો જોડાયા, 9.5 લાખ લોકોએ સેલ્ફી અપલોડ કરી
ગાંધીનગરઃ આઝાદીના અમૃત મહોત્સવના સમાપનના ભાગરૂપે તેમજ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા 9 ઓગસ્ટના રોજ શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’માં આજ દિન સુધી 14,73, 742થી વધુ રાષ્ટ્રભક્તો સહભાગી બન્યા હતા તેમજ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી. પાંચ દિવસમાં 9.5 લાખથી વધુ લોકોએ પંચપ્રણની પ્રતિજ્ઞા લઈને પોતાની સેલ્ફી અપલોડ કરી છે. આ અભિયાન અંતર્ગત પાંચ થીમ આધારીત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં આજે પાંચમા દિવસે રાજ્યના 674 ગામોમાં મહાનુભાવો/પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અંદાજિત 90,434 નાગરિકો સહભાગી થયા હતા.
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શહીદ થયેલા વીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી મહિલાઓને સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવા તથા દેશવાસીઓ રાષ્ટ્રભક્તિના રંગે રંગાય તે માટે આ અભિયાનમાં સૌ નાગરિકોને સહભાગી બનવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો હતો. જેને આજે ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 12,653 ગ્રામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં 13 ઓગષ્ટ સુધીમાં 12075 શીલાફલકમની સ્થાપના કરાઈ છે. જ્યારે વસુધાવંદનમાં 9,42,194 રોપાઓનું વાવેતર કરાયું છે. દેશની આઝાદી માટે શહાદત વહોરનાર 30,414 શહિદ વીરો અથવા તેમના પરીવારોનું સન્માન કરાયું છે.
આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.13થી તા.15 ઑગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને ઘર પર તિરંગો ફરકાવવા આહવાન કર્યુ છે, જેને રાજયભરમાં વ્યાપક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યના નાગરિકો પોતાના ઘર પર તિરંગો લગાવીને રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરી રહ્યા છે.