અમદાવાદમાં જશોદાનગરના પુનિત રેલવે ક્રોસિંગ ઓળંગવા જતા ટ્રેનની અડફેટે વૃદ્ધનો પગ કપાયો
અમદાવાદઃ શહેરમાં ઘણા સ્થળોએ ફાટક બંધ હોવા છતાં કેટલાક લોકો બિન્દાસથી રેલવે ટ્રેક ક્રોસ કરતા હોય છે. અને ટ્રેન આવી જતાં અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. શહેરના જશોદાનગરના પુનિતનગર રેલવે ફાટક પાસે બપોરે એક વૃદ્ધને ટ્રેન આવવાની ખબર હોવા છતાં પણ ફાટક ઓળંગીને જવાનો પ્રયાસ કરતા તે ગુડ્ઝ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ટ્રેન નીચે આવી જતા વૃદ્ધનો જમણો પગ કપાઇ ગયો હતો. પગ કપાઈને 100 મીટર દૂર પડ્યો હતો. સ્થાનિક લોકો અને ફાટકમેને બૂમાબૂમ કરતા ગુડ્ઝ ટ્રેન રોકાઈ ગઈ હતી અને લોકોએ વૃદ્ધને ખેંચીને બહાર કાઢ્યા હતા. સદનસીબે તેઓનો જીવ બચી ગયો હતો. તાત્કાલિક તેઓને સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના જશોદાનગર પાસે આવેલા પુનિતનગર રેલવે ફાટક નંબર 309 પર બપોરના ટાણે ગુડ્ઝ ટ્રેન આવવાની હોવાથી બંધ કરવામાં આવ્યું હતું. વાહન ચાલકો ત્યાં ઊભા હતા અને ફાટક બંધ હતું. ત્યારે મહેમદાવાદ તરફથી એક ગુડ્ઝ ટ્રેન આવી રહી હતી. ફાટકની નજીક ટ્રેન આવી ત્યારે એક વૃદ્ધ પાટા ક્રોસ કરવા જતા હતા. તે દરમિયાનમાં જ ગુડ્ઝ ટ્રેન એકદમ નજીક આવી ગઈ હતી અને વદ્ધને અડફેટે લીધા હતા. તે ટ્રેનની નીચે આવી ગયા હતા. જમણો પગ ટ્રેનના પાટાની નીચે આવી જતા કપાઈ ગયો હતો અને 100 મીટર દૂર જઈને પડ્યો હતો. સ્થાનિક લોકો અને ફાટકમેને આ વ્યક્તિને ન જવા બુમાબૂમ કરી છતાં પણ તેઓ ગયા અને ટ્રેનની અડફેટે આવી ગઈ હતી.
આ દુર્ઘટના બનતા ગુડ્ઝ ટ્રેનને તાત્કાલિક ઉભી રખાવી દેવામાં આવી હતી. વૃદ્ધ ટ્રેન નીચે આવી ગયા હોવાથી ટ્રેન થોડી પાછી લઈ અને તેઓને સ્થાનિક લોકોએ તાત્કાલિક ખેંચીને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધનું નામ જોશી મહેશભાઈ (ઉ.વ.61) અને તેઓ ઘોડાસરના સિદ્ધેશ્વર પાર્કમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક 108 ફાટક પાસે આવી પહોંચી હતી અને તેઓના પગને પણ 100 મીટર દૂરથી તાત્કાલિક લઈ આવ્યા હતા. મહેશભાઈને મણિનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક રહેવાસી હર્ષદભાઈ એ જણાવ્યું હતું કે, રેલવે ફાટક બંધ હતું અને ટ્રેન આવતી હોવા છતાં આ વૃદ્ધ ટ્રેક ક્રોસ કરવા જતા ટ્રેનની અડફેટે આવી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને પગલે ગુડ્ઝ ટ્રેન 20 મિનિટ સુધી ઉભી રાખવી પડી હતી. ફાટક પણ બંધ હોવાના કારણે 25 મિનિટ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને ફાટકમેન દ્વારા બૂમાબૂમ કરી અને ટ્રેન આવતી હોવા છતાં પણ રેલવેના પાટા ન ઓળંગવા માટે વદ્ધ મહેશભાઈને જણાવ્યું હતું, છતાં પણ તેઓ ઓળંગવા જતા આ દુર્ઘટના બની હતી.