ભાવનગરઃ ગુજરાતમાં અન્ય શહેરોની તુલનાએ ભાવનગર શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરના ટોળાં વધુ જોવા મળતા હોય છે. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન પાસે રખડતા ઢોર પકડવા માટેની અલાયદી કોઈ વ્યવસ્થા નથી. મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા રખડતા ઢોર પકડવા અને ટેગિંગ કરવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે પરંતુ કોઈ એજન્સી તૈયાર થતી નથી. માથાભારે પશપપાલકો સામે તંત્ર પણ ઢીલુ વલણ દાખવી રહ્યું છે. આમ મ્યુનિ.કોર્પોરેશનને કોઈ રસ હોય તેમ લાગતું નથી.
ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાનું પણ જાણે કાગળ પર ચાલતું હોય તેમ ફરિયાદ આવે અથવા તો કોઈની જાન ઢોરને કારણે જાય ત્યારે ઢોર પકડવાનું શરૂ કરે છે. તાજેતરમાં ભાવનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે બીજી તરફ રખડતા ઢોર પકડવા અને ટેગિંગ કરવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે પરંતુ કોઈ એજન્સી તૈયાર થતી નથી. જે સિસ્ટમ માટે પણ ઘણું જ હાનિકારક છે. શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન વર્ષોથી યથાવત સ્થિતિમાં છે. કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડી પૂરવા માટે ત્રણ ઢોર ડબ્બા પણ બનાવ્યા છે. પરંતુ શહેરમાં હજારોની સંખ્યામાં રખડતા ઢોર સામે ડબ્બાની ક્ષમતા જ નથી. અને બીજી તરફ રખડતા ઢોર પકડવાની કાર્યવાહીમાં પણ અનેકવાર માલધારીઓ દ્વારા થયેલા હુમલાઓને કારણે રખડતા ઢોર પકડવાનું ટેન્ડર બે વાર બહાર પાડવા છતાં કોઈ એજન્સી ટેન્ડર ભરવા માટે તૈયાર થતી નથી. ઢોર પકડવાની કામગીરી લાંબા સમયથી બંધ હતી. જોકે ફરિયાદ આવે ત્યારે જ ઢોર પકડવામાં આવે છે. તદુપરાંત રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટીફાય આર.એફ.આઈ.ડી. દ્વારા આધુનિક રીતે ઢોરના માલિકની જાણકારી મળી રહે તે માટે માઈક્રોચીપ ઢોરના અંગમાં બેસાડવાની કામગીરીની શરૂઆત પણ કોર્પોરેશને કરી હતી. જે 500 જેટલી માઈક્રોચીપ દ્વારા ટેગિંગ કરાયું હતું. અને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા આઠ લાખના ખર્ચે 4 હજાર માઈક્રો ચિપની ટેન્ડર દ્વારા ખરીદી કરી હતી. ટેગિંગ કરવાની કામગીરી માટે પણ ત્રણ વાર ટેન્ડર બહાર પાડ્યું છે. તેમાં પણ કોઈ એજન્સી તૈયાર થઈ નથી અને લાંબા સમયથી માઈક્રોચીપ ખરીદીને પડી છે.
ભાવનગર શહેરમાં ઠપ્પ થયેલી રખડતા ઢોર પકડવાની કામગીરીને કારણે ઢોરની અડફેટે અકસ્માત થવાના બનાવોમાં વધારો થયો છે. જિલ્લામાં પણ રખડતા ઢોરનો ભોગ બનતા બનાવો વધ્યા છે. તાજેતરમાં ભાવનગર શહેરમાં એક અને સિહોરના આંબલા ગામે રખડતા ઢોરે અડફેટે લેતા એક – એક વ્યક્તિના મોત નિપજ્યા હતા. મ્યુનિ.કમિશનર દ્વારા શરૂઆતમાં રખડતા ઢોર સંદર્ભે કડક કાર્યવાહી કરતા માલધારીઓ પણ રસ્તા પર ઢોર છોડવામાં પાંચ વાર વિચાર કરતા હતા. પરંતુ ઘણા સમયથી રખડતા ઢોર સામેની કાર્યવાહી મંદ પડી જતા માલધારીઓ પણ બિન્દાસ થઈ ગયા છે. શહેરના ટોપ થ્રી સર્કલ પાસે રીંગરોડ જવાના માર્ગ પર 70 વર્ષીય બાબુભાઈ વાઘેલાને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. જેનું શુક્રવારે મૃત્યુ નીપજ્યું હતું. તે સ્થળ પર આજે પણ રસ્તા પર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા છે. આમ શહેરના મોટાભાગના વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ અતિશય વધી ગયો છે.