સીએમ યોગી અયોધ્યા પહોચ્યાં, મંદિર નિર્માણની કામગીરીનું કર્યુ નિરીક્ષણ
લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે હવાઈ માર્ગે અયોધ્યા પહોંચ્યાં હતા. તેમજ તેમણે ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિર નિર્માણની કામગીરી નિહાળી હતી. હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. તેમજ જાન્યુઆરીમાં મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાની આશા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે એક દિવસની મુલાકાતે અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. મુખ્યમંત્રી યોગીએ રામ મંદિર નિર્માણની પ્રગતિ જોઈ. આ પ્રસંગે તેમની સાથે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પણ હાજર હતા. તેમનું હેલિકોપ્ટર શનિવારે રાત્રે લગભગ 11.00 વાગ્યે રામ કથા પાર્ક હેલિપેડ પર ઉતર્યું હતું. આ પછી તેઓ રામચંદ્ર દાસ પરમહંસની સમાધિ પર પહોંચ્યા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અહીંથી તેમનો કાફલો રામજન્મભૂમિ માટે કેમ્પસ માટે રવાના થયો હતો.
સીએમ યોગીનું દિગંબર અખાડા સાથે ગાઢ જોડાણ છે. ગોરક્ષપીઠની ત્રણ પેઢીઓ આ સ્થળ સાથે જોડાયેલી છે. સીએમના ગુરુ અવૈદ્યનાથ અને પરમહંસ વચ્ચે ઘણી આત્મીયતા હતી. મુખ્યમંત્રી પણ તેમની પેઢીની પરંપરાને અનુસરી રહ્યા છે. દિગંબર અખાડા રામ મંદિર આંદોલનનું મુખ્ય કેન્દ્ર પણ રહ્યું છે. આ અખાડામાં રામમંદિર આંદોલનની પ્રથમ બેઠક યોજાઈ હતી. તેમાં રામ મંદિરના નિર્માણ માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ મહંત અવૈદ્યનાથ હતા, જેઓ સીએમ યોગીના માર્ગદર્શક હતા. 1989 માં, મહંત રામચંદ્ર દાસ પરમહંસ રામજન્મભૂમિ ન્યાસના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ પછી જ મંદિર આંદોલનને નવી દિશા મળી હતી.