જુનાગઢ જિલ્લા જેલમાં કર્મચારી ઉપર કેદીએ કર્યો હુમલો
- કેદીએ કરેલા હુમલામાં જેલ કર્મચારી ઈજાગ્રસ્ત
- સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો
- પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અમદાવાદઃ જુનાગઢમાં જેલમાં બંધ એક કેદીએ ફરજ પર તૈનાત જેલ કર્મચારી ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેલ કર્મચારીએ તેને પરત બેરેકમાં જવાનું કહેતા કેદીએ હુમલો કર્યાનું જાણવા મળે છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અકીલ ફિરોજ હાલા નામનો એક ગુનેગાર હાલ જૂનાગઢ જિલ્લા કેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે. દરમિયાન જેલ કર્મચારીએ જેલ બંધીનો સમય થતા કેદી અકીલને બેરેકની અંદર જવાનું કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા કેદીએ જેલ કર્મચારી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. તેમજ અપશબ્દો બોલીને જેલ કર્મચારી ઉપર હુમલો કર્યો હતો. આ બનાવને પગલે નાસભાગ મચી ગઈ હતી અને અન્ય જેલ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. કેદીએ કરેલા હુમલામાં જેલ કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કેદીએ કરેલા હુમલામાં ઘાયલ થયેલા કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો.
જેલમાં કેદીએ કર્મચારીએ કરેલા હુમલાની ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. પોલીસે કેદી સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ફરીથી જેલની અંદર આવી ઘટના ના બને તે માટે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી અકીલની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.