આસામ રાજ્યમાં કપ સીરપ પર કાર્યવાહી – ઓગસ્ટ મહિનામાં 90 હજારથી વઘુ કફ સિરપની બોટલ જપ્ત
નવી દિલ્હીઃ આસામમાં નશીલા દ્રવ્યોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ચાલુ ઓગસ્ટ મહિનામાં આસામમાંથી પોલીસે બે અલગ-અલગ બનાવમાં પ્રતિબંધતિ કફ સિરપની લગભગ 92 હજાર જેટલી બોટલ જપ્ત કરીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે લગભગ છ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.
જાણકારી અનુસાર આસામ પોલીસે આસામ-ત્રિપુરા સરહદ પરના કરીમગંજ જિલ્લાના ચુરાઈબારી વિસ્તારમાં એક ટ્રકમાંથી પ્રતિબંધિત કફ સિરપની 4 કરોડ રૂપિયાની બજાર કિંમતની 61,000 બોટલો જપ્ત કરી હતી. પોલીસે વિશ્વજીત વિસ્વાસ નામના ટ્રક ચાલકને ઝડપી લીધો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ ધરીને પ્રતિબંધિત કફ સિરપનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.
કરીમગંજ જિલ્લાના અધિક પોલીસ અધિક્ષક પ્રતાપ દાસે જણાવ્યું હતું કે, ડ્રગ્સ સામે અમારું અભિયાન ચાલુ છે. શુક્રવારની રાત્રે અમે એક ટ્રક રોકી હતી. અમે ટ્રકમાંથી પ્રતિબંધિત કફ સિરપની 61,000 બોટલો જપ્ત કરી હતી અને તેને જપ્ત કરી હતી. જપ્ત કરાયેલી કફ સિરપની બોટલોની બજાર કિંમત અંદાજે 4 કરોડ રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 1 ઓગસ્ટના રોજ, આસામ પોલીસે આસામ-ત્રિપુરા સરહદ પર આસામના કરીમગંજ જિલ્લામાં એક ટ્રકમાંથી કફ સિરપની 31,000 થી વધુ બોટલો જપ્ત કરી હતી. 1 ઓગસ્ટના રોજ ચાથે ઉરાઈબારી વોચ પોસ્ટની પોલીસ ટીમને આસામ-ત્રિપુરા બોર્ડર પર ચુરાઈબારી વિસ્તારમાં એક ત્યજી દેવાયેલી ટ્રક મળી હતી.