જી 20ના દેશો મહામારી પર ફંડ મામલે સહમત – 25 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરાશે
દિલ્હીઃ ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે અનેક સ્થળોએ બેઠક યોજાઈ રહી છે અગાઉ જી 20ના દેશોએ મહામારી સામે ઝઝુમતા દેશોની મદદનું આહ્વાન કરી તેમના માટે ભંડોળ એકત્ર કરવાના સુઝાવ આપ્યા ત્યારે હવે આ મામલે જી 20ના દેશોની સહમતિ બની છે.
આ બેઠકમાં તમામ દેશોમાં ભૌગોલિક રાજકીય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, યુક્રેન યુદ્ધને કારણે વિશ્વને થયેલા આર્થિક નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. એજન્ડાના પોઈન્ટ 22 અંતર્ગત રશિયા અને ચીને મળીને તમામ દેશોને કહ્યું કે કોઈપણ દેશની સુરક્ષા વ્યવસ્થા વિશે વાત કરવા માટે આ યોગ્ય પ્લેટફોર્મ નથી. જી-20 દેશોએ આમાં દખલ ન કરવી જોઈએ. તેમજ તેને ચર્ચામાંથી બાકાત રાખવાની માંગણી કરી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે G-20 દેશો ભવિષ્યમાં કોરોના જેવી મહામારીને રોકવા માટે મહામારી ફંડમાં 25 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવા સંમત થયા છે. ગયા વર્ષે ઈન્ડોનેશિયામાં આયોજિત જી 20માં પહેલીવાર મહામારી ફંડ બનાવવાનો વિચાર આવ્યો હતો, જેના પર ભારતની અધ્યક્ષતામાં ચાલી રહેલા જી 20 સંમેલનમાં અંતિમ મહોર લગાવવામાં આવી છે.
આ સહીત જી 20 દેશોએ એક રોગચાળાના કરાર પર સંમત થવાની જાહેરાત કરી છે, જે આવતા વર્ષે મે મહિનામાં વિશ્વ સ્વાસ્થ્ય સભામાં WHO દ્વારા રજૂ કરવામાં આવશે. ત્રણ દિવસીય જી 20 આરોગ્ય મંત્રીઓની બેઠક શનિવારે ગુજરાતના ગાંધીનગરમાં સમાપ્ત થઈ હતી.