અમદાવાદઃ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવા મામલે આરોપીને 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ
અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવા સબબ એક પાદરીને અદાલતે કસુરવાર ઠરાવીને 3 વર્ષની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો. રાજ્યમાં ધર્મ પરિવર્તન મામલે એક પાદરીને સજા કરવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમરાઈવાડિ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા એક મહિલા મારફતે પાદરી ગુલાબન પરીખન મસીહના સંપર્કમાં આવી હતી. આ દરમિયાન પાદરીએ સગીરા સાથે મિત્રતા કરીને ધર્મની વાતો શરૂ કરી હતી. તેમજ સગીરાને નંબર મેળવીને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ પીડિતાના કેટલાક વાંધાજનક ફોટોગ્રાફ એકત્ર કર્યાં હતા. જે બાદ આરોપીએ સગીરાને બ્લેકમેલ કરીને હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. એટલું જ નહીં આરોપી અને તેના સાગરિતોએ પીડિતાના ઘરે જઈને હંગામો મચાવ્યો હતો. તેમજ ધાર્મિક મૂર્તિઓ તોડીને બાઈબલ મુકી હતી. જે બાદ આરોપીએ પીડિતાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાં હતા.
સમગ્ર ઘટના અંગે પીડિત પરિવારે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી પાદરી સામે પોક્સો હેઠળ તપાસ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા સુનાવણીના અંતે આરોપી ગુલાબન પરખનને કસુરવાર ઠેરવ્યાં હતા. તેમજ 3 વર્ષની સજા ફરમાવી હતી. તેમજ દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો વધુ સજાનો નિર્દેશ કર્યો હતો.