નર્મદાઃ રાજપીપળામાં સુપ્રસિદ્ધ હરસિધ્ધિ માતાજીના મંદિરમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને શીશ ઝુકાવ્યું
અમદાવાદઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન તા.19 થી 22 ઓગસ્ટ સુધી ગુજરાતના પ્રવાસ પધાર્યા હતા. કેન્દ્રીય મંત્રી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને પ્રથમ દિવસે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઈ.એફ.એસ.સી) ના વિકાસ અને વૃધ્ધિ પર નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ તારીખ 20 ઓગસ્ટના રોજ નર્મદા જિલ્લાના કેવડીયા ટેન્ટ સીટી-1 ખાતે બે દિવસીય કેન્દ્રીય નાણાં વિભાગની ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રીએ કેવડિયા ખાતે રાત્રિ રોકાણ કરીને ચોમાસાની મહેક, પ્રાકૃતિક સોંદર્ય અને વનરાજીનો નજારો નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી. મંત્રીએ આજે ચિંતન શિબિર પૂર્ણ કરી ટેન્ટસીટી -1 ખાતેથી રાજપીપલા ખાતે આશરે 600 વર્ષ જુના પ્રાચીન હરસિધ્ધિ માતાના દર્શને પહોંચ્યા હતા.
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને પૌરાણિક મંદિરમાં હરસિધ્ધિ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, અને દેશના જનજનના કલ્યાણની હરસિધ્ધિ માતાજીને કામના કરી હતી. પૂજારી કિસન મહારાજ દ્વારા મંદિરનો ઇતિહાસ અને ઉદભવ અંગેની માહિતીથી મંત્રીને વાકેફ કર્યા હતા. હરિસિધ્ધિ માતાજીના દર્શન કર્યાં બાદ રોડ માર્ગે ડાકોરમાં રણછોડ રાયજીના દર્શન કરવા ગયા હતા.
મંદિરના ટ્રસ્ટી ભાસ્કરભાઈ સોનીએ જણાવ્યું કે, રાજપીપલા રજવાડું સંપૂર્ણ આંતરિક અધિકારક્ષેત્ર ધરાવતું દેશી રજવાડું હતું. 600 વર્ષથી વધુ ગોહિલ વંશનું આધિપત્ય રહ્યું હતું. સત્તરમી સદીના મહારાણા છત્રસાલજી ગોહિલના પાટવીપુત્ર સત્તરમી વેરિસાલજી ગોહિલને હરસિધ્ધિ માતાજી પ્રત્યે અખંડ શ્રદ્ધા અને ભક્તિ પોતાના માતૃશ્રી તરફથી વારસામાં મળેલ હોઈ તેઓ વારંવાર ઉજ્જૈન જતા અને માતાજીની ઉપાસના કરતા ત્યારથી તેમને પોતાની નગરીમાં હરસિધ્ધિ માતાજીને લાવવાની તીવ્ર ઈચ્છા થઈ હતી. માતાજીને લાવતા હતા ત્યારે ઝાંઝરનો અવાજ છેક સુધી સંભળાતો હતો અને શરત પ્રમાણે પાછું વળીને ન જોયું એવી હતી અને આ જગ્યાએ પાછું વળીને જોતા જ માતાજીની સ્થાપના થઈ હતી. ત્યારથી હરસિધ્ધિ માતાના મંદિરે લોકો ભક્તિભાવથી પુજા-અર્ચના સાથે દર્શનાર્થે આવે છે.