અમદાવાદઃ ગુજરાતમાં હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને દરરોજ મોટી સંખ્યામાં ભક્તો શિવાલયમાં દર્શન કરવા જાય છે. દરમિયાન છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં મહાદેવ મંદિરે ચંદ્રયાનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો આ પ્રતિકૃતિ જોવા માટે ઉમટી પડયા હતા. ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર પહોંચવાની તૈયારીમાં છે. દરેક ભારતીય માટે આ એક ગૌરવની ઘટના છે. જામનગરના જયંત સોસાયટી વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવ ગ્રુપ દ્વારા મહાદેવના મંદિરમાં ચંદ્રયાનની મોટી પ્રતિકૃતિ તેમજ ફરતો ચંદ્ર વગેરે બનાવવામાં આવ્યા છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ભારતમાં ઈસરો દ્વારા મિશન મૂન અંતર્ગત ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર મકલવામાં આવ્યો છે, ચંદ્રયાન-3 બુધવારે સાંજના ચંદ્રની સપાટી ઉપર ઉતરાયણ કરે તેવી શકયતા છે. ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રની સપાટીના કેટલાક ફોટો ગ્રાફ મોકલવામાં આવ્યાં છે. જે ઈસરોએ સોશિયલ મીડિયા મારફતે દેશની જનતા સામે જાહેર કર્યાં છે. ચંદ્રયાન-3ના લેન્ડીંગને લઈને દેશની જનતાથી આતુરતાથી રાહ જોઈ રહી છે. ભારતની જનતા જ નહીં પરંતુ અમેરિકા અને બ્રિટન સહિતના દેશો પણ ચંદ્રયાન-3ના લેન્ડીંગને લઈને ઉત્સુક જોવા મળી રહ્યાં છે.