વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી નહીં યોજાતા ઉગ્ર આંદોલનની ચીમકી
વડોદરાઃ શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની માંગ સાથે વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ યુનિવર્સિટીની મુખ્ય વહિવટી કચેરી સામે દેખાવો કર્યાં હતા અને કૂલપતિને આવેદનપત્ર આપવાની માગ સાથે વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા હતા. અને તાત્કાલિક વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની માંગણી કરી હતી અને આ અંગે જલ્દી જ નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.
વડાદરામાં એમ.એસ. યુનિવર્સિટીમાં 2020થી વિદ્યાર્થી સંઘની ચૂંટણી નહીં યોજાતા વિદ્યાર્થી સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. બુધવારે વીવીએસ, એસએફએસએ, એએસયુ, વાયએસજી, બીએસએફ, એજીએસયુ અને એઆઇએસના વિદ્યાર્થી કાર્યકરોએ મળીને યુનિની મુખ્ય કચેરી સામે ધરણા કર્યા હતા અને ઝડપથી વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની માંગણી કરી હતી અને રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. રઘુપતિ રાઘવ રાજા રામ, વીસી કો સદબુદ્ધી દે ભગવાન, વગેરે સૂત્રોચ્ચારો કર્યાં હતા એજીએસયુના વિદ્યાર્થી નેતા જયેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાંથી વિવિધ વિદ્યાર્થી સંગઠનો યુનિની મુખ્ય કચેરી ખાતે ભેગા થયા હતા. અને વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની માગ કરી હતી. છેલ્લા એક મહિનામાં 3થી 4 વખત વિદ્યાર્થી સંઘની ચૂંટણી જાહેર કરવા માટે રજૂઆતો કરી છે, પરંતુ, હજી સુધી તે અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી અને કોઇપણ જાતની બાંહેધારી પણ આપવામાં આવી નથી.
વિદ્યાર્થી નેતાઓના કહેવા મુજબ એમએસ યુનિવર્સિટીમાં છેલ્લે 2019માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ હતી, ત્યારબાદ આજ દિવસ સુધી વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ નથી. 2020-21માં કોરોનાની મહામારી હતી. જેથી વિદ્યાર્થી સંગઠનોએ સમજીને જ ચૂંટણીની માંગણી કરી નહોતી. જો કે, 2022-23માં એડમિશન અને એક્ઝામની લોલીપોપ આપીને વિદ્યાર્થી સંઘની ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે કોલજો શરૂ થઈ ગઇ છે અને એડેકેમિક પ્રવૃતીઓ ચાલી રહી છે, તેમ છતાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવામાં આવી રહી નથી. યુનિ.ના સત્તાધિશો કોમન એક્ટની વાત કરે છે પરંતુ, કોમન એક્ટ હજી સુધી લાગુ થયો નથી. સેનેટ-સિન્ડિકેટની ચૂંટણી યોજી શકાતી હોય તો વિદ્યાર્થી સંઘની ચૂંટણી કેમ યોજાતી નથી? જેથી તમામ સંગઠનો દ્વારા ભેગા મળીને રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણી જાહેર નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.