1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર-ચિલોડા વચ્ચે સાબરમતી નદી પર રૂપિયા 60 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે
ગાંધીનગર-ચિલોડા વચ્ચે સાબરમતી નદી પર રૂપિયા 60 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે

ગાંધીનગર-ચિલોડા વચ્ચે સાબરમતી નદી પર રૂપિયા 60 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે

0
Social Share

ગાંધીનગરઃ અમદાવાદના સરખેજથી ગાંધીનગર અને ચિલોડા સુધીના નેશનલ હાઈવે પર રોજબરોજ ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. જેથી ગાંધીનગર- ચિલોડા હાઇવે પર સાબરમતી નદી પર હાલના બ્રિજને સમાંતર વધુ એક બ્રિજ 60 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાનું આયોજન માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી બે મહિનામાં આ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે. આ બ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યામાં મહદઅંશે રાહત મળશે.

અમદાવાદના સરખેજ-ગાંધીનગર-ચિલોડા નેશનલ હાઈવે પર વધતા જતાં ટ્રાફિકને લીધે ચિલોડાથી સરખેજ સુધીનો સિક્સ લેન હાઇવે કોઇપણ ક્રોસ જંક્શન સિવાયનો બનાવવામાં આવ્યો છે. સરખેજથી ગાંધીનગર સુધી ઓવરબ્રિજ-અંડરબ્રિજ બનાવીને હાઈવેનું સિક્સલાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ગાંધીનગરમાં જ-7 સર્કલથી ચિલોડા તરફ જવાના માર્ગ પર પાલજ પાસેનો પુલ ફોરલેન છે. હાઇવે સિક્સલેન હોવાથી અને પુલ ફોરલેન હોવાથી અહીં બોટલનેક ટ્રાફિક જોવા મળે છે જેથી વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે. વર્તમાન પુલના વાઇડનીંગને બદલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હયાત પુલની સમાંતર બીજો ફોરલેન પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી એક તરફનો ટ્રાફિક હયાત પુલ પરથી પસાર થશે અને બીજીતરફનો ટ્રાફિક નવા પુલ પરથી પસાર થશે. હયાત પુલને સમાંતર 1.50 કિલોમીટરનો નવો પુલ બનાવાશે ઉપરાંત વાયુ સેના સર્કલ સુધી 400 મીટરનો એપ્રોચ પણ આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  સરખેજ-ગાંધીનગર સિક્સલાઈન હાઈવે અંદાજે 1 હજાર કરોડના ખર્ચે તૈયાર થયો છે, હવે તેમાં ગાંધીનગરથી ચિલોડા સુધીના માર્ગ પર એક અને અમદાવાદમાં બે ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી છે. જેના કારણે પ્રોજેક્ટ કોસ્ટ વધશે પરંતુ હાઇવે પર ટ્રાફિકની સમસ્યાને અવકાશ નહીં રહે. ગાંધીનગર- ચિલોડા હાઇવે પરના પુલની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકીની તમામ ફોર્માલિટી પુરી કરીને દિવાળી પહેલા બ્રિજ નિર્માણની કામગીરી શરૂ કરવાનું માર્ગ અને મકાન વિભાગનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે તમામ હાઇવે પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સુધીના બ્રિજ ઉપરાંત ચ-0 કોબા હાઇવે પર તાજેતરમાં રક્ષાશક્તિ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તે સિવાય રાયસણ ચારરસ્તા પર પણ ઓવરબ્રિજને મંજૂરી મળી ગઇ છે જે આવનારા દિવસોમાં તૈયાર થશે. ક-6 પાસે રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે. બીજીતરફ હવે ચિલોડા જવાના હાઇવે પર પુલ પર સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવા નવો પુલ બનાવવાનું આયોજન છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code