સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે હવે 27 ટકા અનામત, SC-ST અનામતમાં કોઈ ફેરફાર નહીં
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સહિત પછાત વર્ગના લોકો માટે અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામાં આવી હતી. પંચ દ્વારા પૂર્ણ અભ્યાસ કર્યા બાદ એનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. ઓબીસી સમાજને અનામત અંગેનો કોઈ નિર્ણય ન લઈ શકાતા જિલ્લા અને તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ મુદત પૂર્ણ થઈ હોવા છતાંયે યોજી શકાતી નહતી.આખરે રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજ માટે 27 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. જો કે, એસસી, એસટી સમાજ માટે અનામત નીતિમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં કેબિનેટની મળેલી બેઠકમાં ઝવેરી કમિશનનો અહેવાલ મૂકવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓબીસી સમાજને અનામત આપવાનો નિર્ણય લેવાઈ જતાં હવે નજીકના ભવિષ્યમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થાય એવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી સમાજને 27 ટકા અનામત મળશે. એટલે હવે જિલ્લા, તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓમાં ઓબીસી સમાજને 27 ટકા પ્રતિનિધિત્વ મળશે. જો કે એસટી બેઠક યથાવત્ રાખવામાં આવી છે. હાલના સીમાંકન મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ભાજપનું માનવું છે કે, ઓબીસી સમાજને 10 ટકામાંથી 27 ટકા અનામત આપી છે. એટલે ચૂંટણીઓમાં ભાજપને લાભ થશે. જ્યારે કોંગ્રેસનું માનવું છે કે આ અમારી લડતની જીત છે. કારણ કે ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા અનામત મળે તે માટે કોંગ્રેસ દ્વારા લડત શરૂ કરવામાં આવી હતી. તેથી ભાજપ સરકારને નિર્ણય લેવો પડ્યો છે.
ગુજરાતમાં ઓબીસી સમાજની સૌથી વધુ વસ્તી છે એટલે વસતિના પ્રમાણમાં 27 ટકા અનામત અપુરતી છે. જો કે ઘણા જિલ્લાઓમાં ઓબીસી સમાજની વસતી 70 ટકા કે તેથી વધુ છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઓબીસી સમાજની માત્ર બેથી પાંચ ટકા જ વસતી છે.ત્યાં પણ 27 ટકા અનામત લાગુ પડશે. એટલે સામાજિક રીતે અન્યાય થવાની પૂરેપૂરી શક્યતા છે. બનાસકાંઠામાં ઓબીસી સમાજની વસ્તી 70 ટકા છે તો ત્યાં 27 ટકા જ અનમાત મળશે અને ભરૂચમાં ઓબીસી સમાજની વસ્તી 5 ટકા છે તો ત્યાં પણ 27 ટકા અનામત મળશે. એટલે સંતુલન ખોરવાઇ શકે છે.
રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ઝવેરી પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાવાર અનામત આપી છે, કુલ બેઠકો કરતાં 50 ટકાથી અનામત વધે નહીં એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 2022માં ઝવેરી કમિશનની રચના કરવામાં આવી અને 2023માં અહેવાલ મળ્યો અને 3 મહિનામાં આ ભલામણનો અભ્યાસ કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. 27 ટકા અનામત અનુસુચૂતિ જનજાતિ અને અનુસુચૂતિ જાતિ અને અન્ય પછાત વર્ગ માટે જે બેઠક છે એ માટે ભલામણ કરી છે, એટલે કે એસસી, એસટી અને ઓબીસી માટે 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના 9 જિલ્લા અને 61 તાલુકામાં આદિવાસી વસતિ 50 ટકા કરતાં વધારે છે. આ વિસ્તારમાં વસતિ પ્રમાણે બેઠક ફાળવવામાં આવશે. 10 બેઠક ઓબીસીને આપીએ છીએ એ ચાલુ રહેશે. જો 25થી 50 ટકા વસતિ હશે તો નિયમ પ્રમાણે બેઠક આપવી એટલે ઓબીસી બેઠક ઘટી જાય એમ છે, એટલે એવા કિસ્સામાં સરકારે 10 ટકા અનામત યથાવત્ રાખી છે. યુનિટનો અભ્યાસ કર્યા બાદ 27 ટકા એ 50 ટકા કરતાં વધે નહીં એ જોવામાં આવશે. બાકીનો રહેલો ગેપ આપીએ છીએ. કુલ બેઠકના 50 ટકા બેઠક અનામત, એટલે કે 27 ટકા અનામત સાથે થાય છે.