વડોદરાઃ શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધતો જાય છે. જેમાં નવા વિકસિત થયેલા વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા 20 જેટલા ગાર્ડન બનાવાશે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ જે વિસ્તારોમાં ગાર્ડન આવેલા છે. એમાં પણ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. બગીચાઓમાં બાળકો માટે રમતના સાધનો પણ મુકવામાં આવશે. આમ શહેરના ચાર ઝોનમાં આવેલા 129 જેટલા નાના-મોટા બગીચાઓનું રિ-ડેવલોપમેન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં રૂપિયા 6.42 કરોડના ખર્ચે સિવિલ કામ કરવામાં આવશે. તે બાદ 7 કરોડ ઉપરાંતના ખર્ચે ફૂલ-ઝાડ સહિતની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ કામ કરવા માટેની દરખાસ્તોને મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુરી આપવામાં આવી હતી.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા બગીચાઓમાં લોકો જઇ શકે અને કસરત કરી શકે તેમજ આસપાસની આબોહવા શુધ્ધ રહે તેવા હેતુસર વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ચાર ઝોનમાં આવેલા 129 જેટલા બગીચાઓનું રિ-ડેવલોપમેન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનમાં રૂપિયા 2 કરોડની મર્યાદામાં બગીચાઓમાં સિવિલ વર્ક કરવાની દરખાસ્ત આવી છે. જ્યારે દક્ષિણ ઝોનમાં ટી.પી. પ્લોટ્સમાં આવેલા બગીચા વિકાસવવા માટે રૂપિયા 42,66,848 ના ખર્ચે સિવીલ વર્ક કરાવવા માટેના આવેલા ભાવ મંજૂર કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવી છે. શહેરમાં આવેલા નાના-મોટા બગીચાઓનું નવિનીકરણ કરવા માટે મ્યુનિ.દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી પાછળ પ્રથમ તબક્કામાં 6. 42 કરોડના સિવિલ કામો પૂર્ણ થયા બાદ 7 કરોડ ઉપરાંતના ખર્ચે ફૂલ-છોડ સહિતની કામગીરી કરવાનું પણ આયોજન મ્યુનિ. દ્વારા કરવામાં આવશે. વડોદરાને ગ્રીન સિટી બનાવવાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત વડોદરા મ્યુનિ,કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં વધુ 20 નવા બગીચાઓ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાયલી, બીલ, સેવાસી, છાણી, ટી.પી.-13, વૃંદાવન ચાર રસ્તા, વારસિયા અને હરણીનો સમાવેશ થાય છે. ઉપરાંત પાર્ટી પ્લોટ સાથે પણ ગાર્ડન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાયલી, બિલ, વેમાલીનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનિય છે. કે, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા નાના-મોટા 129 જેટલા નાના મોટા બગીચાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. બગીચાનો વિકાસ કરાયા બાદ બગીચાની કાળજી રાખવામાં આવતી ન હોવાથી બગીચાઓ જંગલમાં ફેરવાઇ રહ્યા છે. વડોદરામાં આવેલા એવા અનેક બગીચાઓ છે જે યોગ્ય જાળવણીના અભાવે બગીચાઓની હાલત દયનીય બની ગઇ છે.