ભારતમાં વર્ષ 2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે,જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી માહિતી
- જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી જાણકારી
- 2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે
- નાગરિક ઉડ્ડયનને સેવા-ઉત્પાદન તરીકે વિકસાવવું “જરૂરી”
દિલ્હી:નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક મહત્વની જાણકારી આપી છે .તેઓએ કહ્યું કે,ભારતમાં વર્ષ 2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે.
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં 2035 સુધીમાં 14.5 કરોડના સ્તરે વધીને 42.5 કરોડ હવાઈ પ્રવાસીઓ હોવાની ઉમ્મીદ છે. મંત્રીએ કહ્યું કે પ્રાદેશિક હવાઈ જોડાણે નાગરિક ઉડ્ડયનનું લોકશાહીકરણ કર્યું છે. તેમણે દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની વૃદ્ધિની સંભાવનાને પ્રકાશિત કરી અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રને “ભારત તરફ જોવા” વિનંતી કરી.
તેઓ ગ્વાલિયરમાં ઈન્ડસ્ટ્રી બોડી CII દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ એરોસ્પેસ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા. તેમના મતે, દેશમાં વર્તમાન 14.5 કરોડ મુસાફરોમાંથી 2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ પ્રવાસીઓ થવાની અપેક્ષા છે. અધિકૃત માહિતી અનુસાર, અગાઉના સમયગાળાની સરખામણીમાં જુલાઈમાં સ્થાનિક હવાઈ ટ્રાફિક 25% વધીને 12.1 કરોડ મુસાફરો પર પહોંચી ગયો હતો. સિંધિયાએ કહ્યું કે નાગરિક ઉડ્ડયનને સેવા અને ઉત્પાદન તરીકે વિકસાવવું “જરૂરી” છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે એરોસ્પેસ કંપનીઓ માટે ભારતમાં પોતાને સ્થાન આપવાનો સમય આવી ગયો છે. કોન્ફરન્સની થીમ ‘સમાવેશક વૈશ્વિક મૂલ્ય શૃંખલા તરફ આગળ વધવું’ છે.