અમૃતકાળના વિઝન સાથે કાર્યરત સરકારે લોક સુખાકારી માટે સ્વાસ્થ્ય સુવિધાઓ સુદ્રઢ બનાવી છેઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી
વડોદરા: આણંદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેષભાઇ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટીના નવનિર્મિત અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ બદલાઇ રહ્યો છે, આગળ વધી રહ્યો છે. અમૃતકાળના વિઝન સાથે કાર્યરત સરકારે લોક સુખાકારી માટે 9 વર્ષમાં દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સુદ્રઢ બનાવી છે. એટલુ જ નહી પરંતુ સામાજિક સમાનતાના ઉત્તમ ઉદાહરણ રૂપ વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજનાના માધ્યમથી દેશના 7 કરોડથી વધુ લોકો માટે ઉત્તમ કક્ષાની આરોગ્ય સારવાર ઉપલબ્ધ બનાવી છે.
કોરોનાના કપરા સમયમાં વિશ્વના દેશોને ભારતે કરેલી મદદની વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, સરકાર સેવાના ભાવથી લોકોના આરોગ્ય સુખાકારીનું કાર્ય કરી રહી છે અને તેથી જ કોરોનાના સમયમાં પણ જ્યારે સમગ્ર વિશ્વમાં દવાઓની અછત હતી, ત્યારે આપણે દવાના ભાવ વધાર્યા વગર કોઇ પણ ભેદભાવ વિના દેશના લોકોની જરૂરીયાત પૂર્ણ કરવાની સાથે 150 જેટલા દેશોને દવાઓ અને 100થી વધુ દેશોને વેક્સિન પુરી પાડીને “વસુધૈવ કુટુંબકમ્’’ની આપણી ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઉમેર્યું હતું કે, સરકારની સાથે આરોગ્ય સાથે જોડાયેલા લોકોએ પણ આરોગ્યને સેવાભાવ સાથે અપનાવ્યુ છે, જેનું ઉત્તમ ઉદાહરણ આપણે કોરોના કાળમાં જોયું છે. કોરોના મહામારી સમયે લોકડાઉનના સમયમાં પણ 13 લાખથી વધુ ડૉક્ટર્સ, 35 લાખથી વધુ નર્સ અને પેરામેડિકલ સ્ટાફે ખડાપગે રહીને દેશના લોકોની સેવામાં કાર્યરત હતા. આ જ હિન્દુસ્તાનના હેલ્થ મોડેલની વિશેષતા છે.
છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા માટે કેન્દ્ર સરકારની કટિબધ્ધતા વ્યકત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, પબ્લિક હેલ્થ દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચી રહી છે. દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉત્તમ આરોગ્ય સારવાર મળી રહે તે માટે 1.70 લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ કાર્યરત છે.
છેલ્લા 9 વર્ષમાં સરકારની આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિની વાત કરતાં આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, 9 વર્ષ પહેલાં દેશમાં માત્ર 350 એમ.બી.બી.એસ. કોલેજો અને 52000 મેડિકલ સીટો હતી જેની સામે આજે 700 એમ.બી.બી.એસ. કોલેજો અને 1 લાખ 7 હજાર મેડિકલ સીટો છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ દેશના છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્ય સેવાઓ પહોંચી છે. આજે આણંદવાસીઓ માટે આનંદ અને ગૌરવની વાત છે કે, લોકકલ્યાણની ભાવના સાથે આરોગ્યલક્ષી સેવાઓને ઘર ઘર સુધી પહોંચાડવાના હેતુ સાથે અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું લોકાર્પણ કરવામા આવ્યું છે. તેમણે આ સેન્ટર ચરોતરના નાગરિકોના આરોગ્યને સાચવવામાં તેમજ જરૂરત સમયે સેવાઓ પ્રદાન કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે તેમ વધુમાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે નવનિર્મિત અમૃતા પટેલ સેન્ટર ઓફ પબ્લિક હેલ્થના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે રિબિન કાપીને સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ સેન્ટરમાં ઉપલબ્ધ થનાર આરોગ્ય સેવાઓ વિશે તેમજ સેન્ટરની કાર્યપ્રણાલી અંગે માહિતી મેળવી હતી.