ભારતમાં અત્યારે સહકારી મંડળીઓના 98% કેસોનું નિરાકરણ કરવામાં આવે છે: જગદીશ વિશ્વકર્મા
ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આયોજિત સહકારી મંડળીઓની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના નવીનીકરણના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે નવનિર્મિત કોર્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારબાદ તેઓએ નવનિર્મિત કોર્ટની સમીક્ષા કરી માહિતી પણ મેળવી હતી.
આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સહકાર માળખામાં બહોળો સુધાર કરવામાં આવ્યો છે, જેનો સીધો જ ફાયદો સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા અધિકારીઓને પ્રાપ્ત થાય છે, સાથે જ તેમના કાર્યમાં પણ સરળતા બની રહે તે માટેની કામગીરી પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સહકાર માળખાને વધુ સફળ બનાવવામાં અધિકારીઓનો પણ ખૂબ જ મોટો ફાળો છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં અત્યારે સહકારી મંડળીઓના 98% કેસોનું નિરાકરણ કરવામાં આવે છે. અને જે પડતર કેસ છે, એમાં કયા પ્રકારના સુધાર કરી શકાય અથવા ફાસ્ટટ્રેક કેસો ચલાવી તેનું નિરાકરણ કરવામાં આવે, તે અંગેના પગલાં લેવાઈ રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ બાબતે અધિકારીઓએ પણ પોતાનાં સૂચનો જણાવવા જોઈએ, કયા પ્રકારના કેસો વધુ આવે છે અને તેનું નિરાકરણ કેવી રીતે ઝડપથી લાવી શકાય, એ અંગે પણ સૂચનો કરવાં જરૂરી છે, તેમ તેમણે જણાવ્યું હતું .
તેમણે જણાવ્યું હતું કે સૌના સાથ અને સહકારથી સામાન્ય પ્રજાલક્ષી મૂંઝવણોને આપણે સરળતાથી સમજી શકીશું અને તેને દૂર કરી શકીશું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સહકારી મંડળીઓની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટને કે અન્ય કોઈપણ બાબતને લગતા આપના પ્રશ્નો હોય તો કોઈપણ સંકોચ રાખ્યા વગર સરકારને જાણ કરજો અને સરકાર આપની તમામ સમસ્યાઓનું નિવારણ કરવા કટિબદ્ધ છે, જેની હું આપ સૌને ખાતરી આપું છું.