રાજકોટઃ સાતમ-આઠમના પર્વનું સૌરાષ્ટ્રભરમાં વિશેષ મહાત્મ્ય છે. અને ગામેગામ લોકમેળા યોજાતા હોય છે. જેમાં રંગીલા રાજકોટનો લોકમેળો પાંચ દિવસ માટે યોજાતો હોય છે. આ મેળાને માણવા માટે ગામ-પરગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા આ રસરંગ લોકમેળાનો આજે મંગળવારે સાંજના 4-30 વાગ્યે રાજયના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે પ્રારંભ કરવામાં આવશે.
રસરંગ લોકમેળાનાં આ ઉદઘાટન સમારોહમાં રાજયના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મેયર પ્રદિપ ડવ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભૂપત બોદર, સાંસદ મોહન કુંડારીયા, રમેશ ધડુક, ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશ ટીલાળા, દર્શિતાબેન શાહ, ગીતાબા જાડેજા, જયેશ રાદડીયા, જીતેન્દ્ર સોમાણી, મહેન્દ્ર પાડલીયા, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્રના ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક આપતા આ લોકમેળાની તમામ તૈયારીઓને જિલ્લા કલેકટર પ્રભવ જોશીનાં માર્ગદર્શન હેઠળ લોકમેળા સમિતિ દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રસરંગ લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન હૈયેહૈયુ દળાય તેટલી જનમેદની ઉમટી પડશે. 12 લાખની જનમેદની આ પાંચ દિવસ દરમ્યાન લોકમેળાની રંગત માણશે.
લોકમેળામાં રોજેરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો રાસ ગરબા, અઠંગો રાસની જમાવટ થશે. મેળા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે. અહી એ ઉલ્લેખનીય છે કે મેળામાં આ વખતે કલેકટર પોલીસ પી.જી.વી.સી.એલ સહિતનાં કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવનારા કર્મચારીઓને વાયરલેસ સેટ આપવામાં આવ્યા છે. લોકમેળામાં 355 રમકડાનાં ખાણીપીણી, આઈસ્ક્રીમના સ્ટોલ તેમજ ચકરડી ફરજ ફાળકા અને અવનવી રાઈડસનું ઈન્સ્ટોલમેન્ટની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. લોકમેળામાં લોકોનાં મનોરંજન અને વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમ તૈયાર કરી દેવામાં આવ્યા છે. લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી માટે 3 ડીસીપી, 10 એસીપી, 28 પીઆઈ 81 પીએસઆઈ, 1067 પોલીસ, 77 એસઆરપી, સહીત 1266 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત કરાશે.
રાજકોટ લોકમેળા સમિતિ દ્વારા આજે મંગળવારે સાંજથી રસરંગ લોકમેળાનો પ્રારંભ થતા જ માનવ મેદનીનો પ્રવાહ રેસકોર્ષ ગ્રાઉન્ડ તરફ વહેવા લાગશે. લોકમેળામાં સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ રાત્રીનાં 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્લાસ્ટીક તેમજ તમાકુ વેચવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રાજકોટના લોકમેળામાં રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લા ઉપરાંત ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા નિવારવા રસ્તા ડાયવર્ટ કરાયા છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ અંગે જાહેર નામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે, આગામી તા.5/9/2023 થી તા.9/9/2023 સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર તથા આજુ બાજુના ગામડાઓમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં આમ જનતા લોકમેળો માણવા માટે આવતી હોય છે. વાહનોનું પ્રમાણ ખુબ જ રહેતુ હોય છે. લોકો સરળ રીતે હરી ફરી શકે અને સુચારૂ અને સલામત વાહન વ્યવહાર ચાલુ રહે અને અકસ્માતના બનાવો ન બને તે માટે રેસકોર્ષ રીંગરોડ જીલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, જુની એન.સી.સી. ચોક, અંડર બ્રીજ સુધી તમામ વાહનો માટે પ્રવેશ બંધ અને બંને બાજુ નો-પાર્કિંગ રહેશે. ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે. આઈ.બી.ની ઓફિસથી રૂરલ એસ.પી.સા.ના બંગલા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે.