અમેરિકાના રાષ્ટ્રપતિ G-20માં ભાગ લેવા ભારત આવી પહોચ્યાં, બાઈડન અને મોદી વચ્ચે થઈ મંત્રણા
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારતમાં આયોજિત થનારી G20 કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચતા તેમનુ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ બાઇડન ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગાર્સેટી અને તેમની પુત્રી માયાને પણ મળ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન વચ્ચે 45 મીનીટ સુધી દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકના પ્રારંભ પહેલા વડા પ્રધાન મોદીએ તેમના નિવાસસ્થાને રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમની સાથે આવેલા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી અને જો બાઇડન વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ હતી. અમારી મિત્રતા વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ આગળ લઈ જઈશું.
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો. બાઈડેનની પ્રથમ ભારતની મુલાકાત છે. બાઈડેન G20 સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા છે. યુએસ પ્રેસિડેન્ટનો કાફલો ખાસ વિમાનમાં દિલ્હી પહોંચતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી વીકે સિંહે અમેરિકી રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. દિલ્હી પહોંચ્યા બાદ બાઈડેન અને વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજાઈ હતી. આ મુલાકાત પર પ્રારંભિક પ્રતિક્રિયા આપતા PMOના અધિકારીએ કહ્યું હતુ. કે ભારત અને યુએસ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ફોકસ કર્યું છે.
અમેરિકાના NSA જેક સુલિવને જણાવ્યું હતુ કે બંને દેશો વચ્ચે સિવિલ ન્યુક્લિયર ટેક્નોલોજીમાં સહયોગ વધારવા પર પણ ચર્ચા થશે. આ દરમિયાન નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર પર સમજૂતી થઈ શકે છે. આ સિવાય બંને દેશો વચ્ચે GE જેટ એન્જિન ડીલ પર પણ વાતચીત આગળ વધી શકે છે. બાઇડન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક આ મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે, ઉપરાંત બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ પર વાતચીત થવાની શક્યતા છે.
જો બાઇડન સાથેની મુલાકાત દરમિયાન પીએમઓએ ટ્વીટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન 7, લોક કલ્યાણ માર્ગ પર દ્વિપક્ષીય ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.આ પહેલા વડાપ્રધાન મોદીએ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ બંને નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમારે આ સમયગાળા દરમિયાન ભારતની પ્રગતિ અને વિકાસની પ્રશંસા કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, બાઈડન ભારતની મુલાકાતે આવનારા અમેરિકાના 8મા રાષ્ટ્રપતિ છે. ખાસ વાત એ છે કે ભારતની આઝાદીનાં પ્રથમ 50 વર્ષમાં અમેરિકાના માત્ર 3 રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા હતા તેમજ છેલ્લાં 23 વર્ષમાં અમેરિકન રાષ્ટ્રપતિની આ છઠ્ઠી મુલાકાત છે.