રાજકોટના હીરાસર એરપોર્ટથી હવે STની E-બસ સેવા મળશે, ફ્લાઈટ્સના શેડ્યુલ મુજબ બસ દોડાવાશે
રાજકોટઃ શહેરના ભાગોળે હીરાસર ગામ પાસે કરોડો રૂપિયયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. જેનું પીએમ મોદીના હસ્તે જુલાઈમાં લોકાર્પણ કરાયા બાદ આગામી તા. 10મી સપ્ટેમ્બરને રવિવારથી ફ્લાઈટ્સ ઉડાન ભરવા લાગશે. શહેરનું જુનુ એરપોર્ટ બંધ કરી દઈને સ્ટાફ સહિત ઓફિસ નવા એરપોર્ટ ખાતે ખસેડવામાં આવી છે. એટલે હવે રવિવારથી એરપોર્ટ ધમધમતુ બની જશે. આ એરપોર્ટ રાજકોટ શહેરથી 31 કીમી દુર આવેલું છે. એટલે પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવાની માગ ઊઠી હતી. વેપારી મહામંડળ સહિત રાજકિય નેતાઓએ પણ આ સંદર્ભે રજુઆતો કરી હતી. આખરે રાજકોટ શહેરથી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી પહોંચવા માટે એસટી વિભાગ દ્વારા ઇલેક્ટ્રિક બસની ફાળવણી કરવામાં આવી છે. જે ફ્લાઈટની ફ્રિક્વન્સી મુજબ દિવસ દરમિયાન 8 વખત આવ-જા કરશે. આ માટે ભાડું માત્ર રૂપિયા 100 નક્કી કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરથી 31 KM દૂર રાજકોટ-અમદાવાદ હાઈવે પર એરપોર્ટ હોવાથી લોકોને આવવા-જવા માટેની એક સમસ્યા હતી. એરપોર્ટ શરૂ થયા પહેલા જ ટેક્સી એસોસિયેશન દ્વારા રાજકોટ એસટી બસપોર્ટથી હીરાસર એરપોર્ટ સુધીનું ભાડું રૂપિયા 2000 નક્કી કરવામાં આવ્યું હતું. આ રકમને જોતા પ્લેનની ટિકિટ અને ટેક્સીના ભાડે વચ્ચેનું અંતર કંઈ વધુ નહોતું. તેથી તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પણ નવા એરપોર્ટ પહોંચવા માટે બીજો કાઈ વિકલ્પ નહતો. આ અંગે રજુઆતો કરવામાં આવ્યા બાદ એસટી વિભાગ દ્વારા ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે, જેનું ભાડું માત્ર 100 રૂપિયા નિયત કરાયુ છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના લીલીઝંડી બાદ નવું એરપોર્ટ ડોમેસ્ટિક ફ્લાઈટના સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર થઇ જતા આગામી 10 સપ્ટેમ્બરથી હીરાસર એરપોર્ટથી જ તમામ પ્રકારની ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે. લોકોને ટ્રાન્સપોર્ટેશન માટે અગવડતા ન સર્જાય અને પ્રાઇવેટ ટેક્સીમાં વધુ ભાડા આપવા ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા ફ્લાઈટની ફ્રીક્વન્સી મુજબ 8 વખત રાજકોટ બસ સ્ટેશનથી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ માટે રૂટ ગોઠવવામાં આવ્યા છે. આ માટે ભાડું પણ માત્ર 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટનું એસટી બસપોર્ટ શહેરના મધ્યમાં આવેલું હોવાથી અહીંયાંથી ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે બસ સેવા લોકોને મળી રહેશે.