ડિપ્લોમાંથી ડિગ્રીમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાના નિર્ણય સામે કોલેજ એસો.એ કર્યો વિરોધ
અમદાવાદઃ ગુજરાતમાં હવે ડિપ્લોમાંથી ડિગ્રીમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે જ ડિપ્લોમાંના વિદ્યાર્થીઓને ડિગ્રીની વિવિધ બ્રાન્ચમાં પ્રવેશ અપાશે. ટેકનિકલ શિક્ષણ વિભાગના આ નિર્ણયનો ડિપ્લોમા કોલેજ એસો.એ વિરોધ કર્યો છે. શિક્ષણમંત્રીને પત્ર લખીને આ અવિચારી નિર્ણયને પરત ખેંચવાની વિનંતી કરી છે. સ્વનિર્ભર કોલેજ સંચાલકોના કહેવા મુજબ હાલ ડિગ્રીમાં પ્રવેશના અંતે ઘણીબધી બેઠકો ખાલી રહે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ડિપ્લોમા પ્રવેશ મેળવીને ત્યારબાદ ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ મેળવતા હોય છે. હવે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે તો ડિપ્લોમાની મોટાભાગની બેઠકો ખાલી રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં ડિપ્લોમાથી ડીગ્રીમાં એડમિશન મેળવવા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. આ નિર્ણય અંગે ડિપ્લોમા કોલેજ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એસોસિએશને શિક્ષણમંત્રીને પત્ર લખી આ નિર્ણય પરત ખેંચવા માંગણી કરી છે. એસોસિએશનનું કહેવું છે કે, પરીક્ષા લેવાશે તો ડિપ્લોમા કોલેજમાં 75 ટકા બેઠકો ખાલી રહેશે. ડિપ્લોમા સેલ્ફ ફાઈનાન્સ કોલેજ એસોસિએશને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી ટેકનિકલ એજ્યુકેશન સંલગ્ન ડિપ્લોમા અને ડીગ્રી એન્જિનિયરિંગ કોલેજની હાલત કફોડી છે. ડિપ્લોમા કોલેજમાં અત્યારે પણ 35 હજાર બેઠકો ખાલી છે. જ્યારે ડીગ્રીમાં 40 હજાર જેટલી બેઠકો ખાલી છે. હવે સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે. કે, ડિપ્લોમાથી ડીગ્રીમાં પ્રેવશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ એક પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. જેના ફોર્મ ફેબ્રુઆરી 2024થી ભરવાના રહેશે. પ્રેવશ માટે જો પરીક્ષા લેવાય તો અનેક પ્રશ્નો ઉભા થાય તેમ છે.
ડિપ્લોમા કોલેજના સંચાલકોના કહેવા મુજબ હાલમાં ડીગ્રીમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીને ડિપ્લોમા પૂર્ણ થયા બાદ કોઈપણ પરીક્ષા વગરે સીધું એડમિશન મળે છે. જેથી વિદ્યાર્થીઓ ધોરણ 11-12 સાયન્સની જગ્યાએ ડિપ્લોમાનો વિકલ્પ પસંદ કરે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજકેટ અને JEEની પરીક્ષા આપવી પડે અને આર્થિક ભારણ પણ આવે તેને લઇને ડિપ્લોમાનો વિકલ્પ પસંદ કરે છે. ડિપ્લોમા અભ્યાસ બાદ ડીગ્રીમાં પ્રવેશ મેળવે છે. ડીગ્રીમાં પ્રવેશ માટે પરીક્ષા રાખવામાં આવે તો હાલમાં જે 50 ટકાથી વધુ સીટો ખાલી રહે છે તે વધીને 70થી 75 ટકા ખાલી રહેશે. ડિપ્લોમાથી ડીગ્રીમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા રાખવામાં આવે તો વિદ્યાર્થીઓ ડિપ્લોમાની તૈયારીની જગ્યાએ પ્રવેશ પરીક્ષામાં વધારે ધ્યાન આપશે. જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ સારી રીતે નહીં કરી શકે. પ્રવેશ પરીક્ષા ફોર્મ વિદ્યાર્થી ફાઈનલ સેમેસ્ટરમાં હશે. ત્યારથી ભરવાના શરૂ થશે. જેને લીધે વિદ્યાર્થી ફાઈનલ સેમેસ્ટરની તૈયારીની જગ્યાએ પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં વધુ ધ્યાન આપશે. જેથી વિદ્યાર્થીઓનું ડિપ્લોમાનું ભણતર બગડશે. પ્રવેશ માટે જો પરીક્ષા રાખવામાં આવે અને અનેક વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં એડમિશન નહીં લે જેના કારણે ડિપ્લોમાની જેટલી પણ કોલેજ છે. તમામ કોલેજને નુકસાન થશે અને અનેક કોલેજ બંધ પણ થશે. તેથી પ્રવેશ માટે પરીક્ષાની જગ્યાએ સીધી રીતે પ્રવેશ આપવામાં આવે તેવી માગણી છે.