વરસાદ ખેંચાતા ખેડૂતોને વધુ બે કલાક વીજળી તેમજ કેનાલો દ્વારા સિંચાઈનું પાણી અપાશેઃ રાઘવજી પટેલ
રાજકોટઃ શહેરના રસરંગ લોકમેળાનો રવિવારે છેલ્લો દિવસ હતો. અને લોકમેળાની મુલાકાત આવેલા રાજ્યના કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે મીડિયાસાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હિતમાં વીજળી વધુ અપાશે તેમજ કેનાલો દ્વારા પણ સિંચાઈ માટેનું પાણી આપવામાં આવશે.
ગુજરાતમાં જુન-જુલાઈ દરમિયાન એકંદરે સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ માસ કોરો રહ્યો હતો. અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જરૂરિયાત મુજબનો વરસાદ પડ્યો નથી. જેના કારણે ખરીફ પાક પર જોખમ ઊભું થયું છે. આ કારણે ખેડૂતોએ કૂવા અને બોરમાંથી સિંચાઈ કરી રહ્યા છે. તેમજ આસપાસના ચેકડેમ અને તળાવો પર ખેડૂતો નિર્ભર છે. જોકે આ મામલે સૌથી મોટી સમસ્યા વીજ પુરવઠાની છે, 8 કલાક વીજળી મળી રહી છે તેમાં પણ ક્યારેક ખાદ્ય પડે છે. આ બધી સ્થિતિ આગળ જતા વણશે નહિ તે પહેલાં જ સરકારે નિર્ણય કર્યો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાયો છે, તેવા સમયે ખેડૂતોની સમસ્યાના ઉકેલ માટે સરકાર કાર્યરત છે. મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. કે, ખેડૂતોને વધારાની બે કલાક વીજળી સપ્લાય કરવામાં આવશે. જેથી રાજ્યભરના ખેડૂતોને તેમના ઊભા ખરીફ પાકને બચાવવા માટે 10 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. ખેતરમાં વાવેલા ખરીફ પાકને બચાવવા માટે તમામ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.’ આ નિર્ણયને કારણે ખેડૂતો વધારાના બે કલાક વીજળી મળવાથી સિંચાઇ પણ સારી રીતે કરી શકશે અને ડેમોમાંથી પાણી છોડાતા જે ખેડૂતો ચેકડેમ પર નિર્ભર છે તેમને રાહત થશે.