અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈન, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીની વરણી
અમદાવાદઃ શહેરમાં ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે મેયર તરીકે શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈનની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ભાજપ પક્ષના એએમસીના નેતા તરીકે ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિને મૂકવામાં આવ્યા છે.
ગુજરાતમાં કરોડો રૂપિયાનું મેગા બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું પદ મહત્વનું ગણાય છે. એએમસીમાં વર્ષોથી ભાજપનું શાસન છે. 2.5 વર્ષની ટર્મ પુરી થયા બાદ ભાજપ દ્વારા નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જો કે જે નામોની જાહેરાત થઇ છે તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો દબદબો રહ્યો છે. એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું સૌથી મહત્વનું પદ ગણાય છે. અને નવા હોદ્દેદારોની પસંદગીમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દેવાંગ દાણીના નામની પસંદગી થઇ છે. જેઓ અમિત શાહના ગ્રુપના હોવાનું માનવામાં આવે છે. આ પહેલા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રહી ચૂકેલા હિતેશ બારોટ પણ અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવતા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે વરાયેલા દેવાંગ દાણી બોડકદેવના કાઉન્સિલર છે. જે ગાંધીનગર લોકસભામાં આવે છે. દેવાંગ દાણી વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવે છે. અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનતા પહેલા તેમને હોસ્પિટલ અને ટાઉનપ્લાનિંગ કમિટી ચેરમેનની પણ જવાબદારીનો પણ અનુભવ છે. જ્યારે મેયરપદે નિમાયેલા પ્રતિભા જૈન ABVPના સભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2010માં સૌ પહેલા ચૂંટણી લડ્યા હતા. સતત ત્રણ ટર્મ તરીકે તેઓ આજ દિન સુધી ચૂંટાઈ આવ્યા છે. વર્ષ 2013 અમદાવાદ શહેરના મંત્રી તરીકે પણ સંગઠનમાં કામગીરી કરી છે. ડેપ્યુટી ચેરમેન મહિલા અને બાળ વિકાસ તરીકે તેઓ રહી ચૂક્યા છે. શાહીબાગ વિસ્તારમાં સૌથી વધુ રાજસ્થાનીઓ અને જૈન સમાજની વધુ વસ્તી છે. જેથી પ્રથમ નાગરિક તરીકે રાજસ્થાનના જૈન સમાજને પ્રતિનિધિત્વ આપવામા આવ્યું છે.
જ્યારે ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની પસંદગી કરવામાં આવી છે. જેઓ પણ ખુબ અનુભવી છે. અગાઉ પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તેમના નામની ચર્ચા હતી. તેમનો વોર્ડ પણ અમિતશાહની લોકસભામાં આવે છે. જતિન પટેલ અમિત શાહ અને આનંદી પટેલના બંને ગ્રુપમાં સારી છવી ધરાવે છે.