1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં ચેતના કેન્દ્ર ખાતે વન શહિદ દિન નિમિત્તે વનપાલ સ્મારકનું મુખ્યમંત્રીએ કર્યુ લોકાર્પણ
ગાંધીનગરમાં ચેતના કેન્દ્ર ખાતે વન શહિદ દિન નિમિત્તે વનપાલ સ્મારકનું મુખ્યમંત્રીએ કર્યુ લોકાર્પણ

ગાંધીનગરમાં ચેતના કેન્દ્ર ખાતે વન શહિદ દિન નિમિત્તે વનપાલ સ્મારકનું મુખ્યમંત્રીએ કર્યુ લોકાર્પણ

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે 11 સપ્ટેમ્બર ‘રાષ્ટ્રીય વન શહીદ’ દિવસ નિમિત્તે વન ચેતના કેન્દ્ર, ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ ‘વનપાલ સ્મારક’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વન અને વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન દરમિયાન શહીદ થયેલા ગુજરાતના આઠ જેટલા વન શહીદોને મુખ્યમંત્રી  પટેલ અને વન મંત્રી મૂળુભાઈ બેરા સહિત મહાનુભાવોએ ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરીને શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના ફ્રન્ટલાઈન સ્ટાફ જેવા કે, વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય અધિકારીઓના માનમાં દર વર્ષે 11 સપ્ટેમ્બરને “રાષ્ટ્રીય વન શહીદ દિવસ” (National Forest Martyrs Day) તરીકે ઉજવવામાં આવે છે. વન વિભાગના ફ્રન્ટલાઇન સ્ટાફ પોતાના જીવની પરવા કર્યા વિના અવિરતપણે વન અને વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે. તેઓ દવ, દબાણ, લાકડાની ચોરી, ગેરકાયદેસર કપાણ, વન્યજીવોના શિકાર રોકવા અને વન્યજીવ-માનવ ઘર્ષણ અટકાવવાની કામગીરી કરે છે અને આ દરમિયાન અમુક પ્રસંગોએ તેઓ પોતાના જીવનું બલિદાન આપી દેતા હોય છે. આવા વીર વનકર્મીઓની સ્મૃતિ ચિરંજીવ રાખવા ગાંધીનગરના સેક્ટર-30માં આવેલા વન ચેતના કેન્દ્ર ખાતે આ વનપાલ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશની વિરાસત પર ગર્વ કરવાનું જે પ્રણ આપ્યું છે તેને ગુજરાતમાં આ વનપાલ સ્મારક સાકાર કરશે.

વન અને વન્યજીવોના સંરક્ષણ તથા સંવર્ધન માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા વન શહીદોના સાહસ, શૌર્ય અને બલિદાનની વિરાસતનું સ્મરણ ભાવિ પેઢીને પ્રેરણા આપતું રહે તેવો આ સ્મારક નિર્માણનો હેતુ છે. આવા સ્મારક વન શહીદોના સાહસ અને શૌર્યને બિરદાવે છે. વન અને વન્યજીવો માટેના તેઓના ત્યાગને જીવંત સ્વરૂપ આપે છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બને છે. બાળકોથી લઇને તમામ નાગરિકોને આ સ્મારક વનો અને વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ બનવાની સાથે સાથે વન અને વન્યજીવોના રક્ષણ માટે પ્રતિબદ્ધ બનવાની પ્રેરણા આપશે.

મુખ્યમંત્રીએ વનપાલ સ્મારક લોકાર્પણ વેળાએ ઉપસ્થિત વન શહીદોના પરિવારજનોને મળીને તેમના ખબર-અંતર પુછીને વન સંરક્ષણ માટે બલિદાન આપનાર તેમના સ્વજનના કાર્યને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પરિવારો સાથે સંવેદના સભર સંવાદ પણ કર્યો હતો અને પરિવારોની આર્થિક-સામાજિક પરિસ્થિતિની વિગતો જાણી હતી. ‘વનપાલ સ્મારક’ના આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરના મેયર  હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટાબેન પટેલ, વન પર્યાવરણ વિભાગના અગ્રસચિવ  સંજીવકુમાર તેમજ હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ  ચતુર્વેદી અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ શહીદોના પરિવારજનોએ પણ વન શહીદોને આદરાંજલિ આપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code