કેરળમાં નિપાહ વાયરસનો ખતરો વધ્યો,કોઝિકોડમાં બે શંકાસ્પદ મૃત્યુ બાદ સ્વાસ્થ્ય એલર્ટ જારી
તિરુવનન્તપુરમ: નિપાહ વાયરસના ફેલાવાના ભયથી કેરળ ફરી એકવાર પરેશાન થવા લાગ્યું છે. કોઝિકોડ જિલ્લામાં સંક્રમણને કારણે બે શંકાસ્પદ મૃત્યુ પછી રાજ્ય સરકારે આરોગ્ય ચેતવણી જારી કરી છે. નિપાહ વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, એમ આરોગ્ય વિભાગે સોમવારે રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું.
નિવેદનમાં જણાવાયું છે કે ખાનગી હોસ્પિટલમાં તાવને કારણે બે શંકાસ્પદ મૃત્યુ નોંધાયા છે. બે લોકો નિપાહ વાયરસથી સંક્રમિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એક મૃતકના સંબંધીઓને પણ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. 2018 અને 2021માં કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના ચેપને કારણે મૃત્યુ નોંધાયા હતા. દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસ (NiV) નો પ્રથમ કેસ 19 મે 2018 ના રોજ કોઝિકોડમાં જોવા મળ્યો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર નિપાહ વાયરસ ચેપ એક ઝૂનોટિક રોગ છે, જે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાય છે અને તે દૂષિત ખોરાક દ્વારા અથવા સીધા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે.નિપાહ વાયરસથી સંક્રમિત લોકો શ્વસન રોગ અને જીવલેણ એન્સેફાલીટીસ સહિત વિવિધ રોગો ફેલાવી શકે છે. WHO અનુસાર, આ જીવલેણ વાયરસ ડુક્કર જેવા પ્રાણીઓમાં પણ ગંભીર રોગ પેદા કરી શકે છે, જેના પરિણામે ખેડૂતોને નોંધપાત્ર આર્થિક નુકસાન થાય છે.
એનઆઈવીના તાજેતરમાં જાહેર થયેલા સિરો સર્વેમાં સામે આવ્યું છે કે વાયરસ અન્ય રાજ્યોમાં પહોંચી રહ્યો છે. પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ના વૈજ્ઞાનિકો દ્વારા નિપાહ વાયરસ અંગેના બીજા સિરો સર્વેમાં 10 રાજ્યોના ચામાચીડિયામાં વાયરસ સામે એન્ટિબોડીઝ મળી આવી છે.જેમાં ગોવા, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયનો સમાવેશ થાય છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને પુડુચેરીમાં એન્ટિબોડીઝ મળી ચુકી છે.