ધોરણ 1થી 7માં સ્કુલબેગનું વજન ઘટાડીને બિન જરૂરી પુસ્તકો ન મંગાવવા શાળાઓને કરાયો આદેશ
સુરતઃ શાળાઓમાં ધોરણ 1થી 7માં બાળકોને સ્કુલબેગનું વજન વધતુ જાય છે. જેટલાં વિષયો હોય એટલી જ નોટ્સ બુકો, રફબુક, સ્વાધ્યયપોથી, કંપાસ અને લંચ બોક્સ વગેરેથી સ્કુલ બેગ ભરાઈ જતી હોય છે. અને વજન એટલું બધુ વધી જતું હોય છે. કે, બાળકો સ્કુલબેગ ઉપાડવામાં વાંકાવળી જતાં હોય છે. આમ ભાર વિનાના ભણતર સામે હજી પણ અનેક બાળકો સ્કૂલોમાં વજનદાર બેગ લઈને જઈ રહ્યા છે. આ મામલે વાલી મંડળે સુરતના જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી. જે ફરિયાદના અનુસંધાનમાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોને બાળકો પાસે બિનજરૂરી પુસ્તકો નહીં મંગાવવા આદેશ કર્યો છે.
સુરત વાલી મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, ઘણા વાલીઓની ફરિયાદ હતી કે, સ્કૂલો વિદ્યાર્થીઓ પાસે વધારાની નોટબુક અને વર્કબુક સહિતના પુસ્તકો મંગાવી રહી છે. જેથી ઘણીવાર બાળકના વજન કરતાં પણ બેગનું વજન વધી જાય છે. વિદ્યાર્થીઓની ઉંમર અને શારીરિક બાંધાને ધ્યાનમાં રાખીને બાળકોને બેગ ઉંચકવામાં તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી ડો. દીપક દરજીને રજૂઆત કરવામાં આવી હતી. આથી ડીઈઓએ સ્કૂલોને આદેશ કર્યો છે કે બાળકોને જરૂર મુજબના જ પુસ્તકો મંગાવે. બાળકોના 10મા ભાગના વજન જેટલી સ્કૂલ બેગ હોવી જોઈએ.ચેકિંગમાં આ નિયમોનું પાલન ન જણાશે તો માન્યતા રદ સુધીની કાર્યવાહી કરાશે.
શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના કહેવા મુજબ બેગનું વજન વધારે ન હોય એવી વ્યવસ્થા કરવા સ્કૂલોને સૂચના આપી છે અને વાલીઓએ પણ આ બાબતમાં ધ્યાન રાખવું પડશે. બાળકના વજનના 10મા ભાગથી વધારે બેગનું વજન ન હોવું જોઈએ. વાલીઓ ડીઈઓ કચેરીમાં આવી લેખિતમાં કે ઇ-મેલથી પણ ફરિયાદ કરી શકે છે. રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં સ્કૂલ બેગનું વજન તપાસવા સ્કૂલોમાં ડિજિટલ મશિન મૂકવા આદેશ છે. તેમજ શનિવારે ‘નો બેગ ડે’ મનાવી બાળકોને પ્રેક્ટિકલ એજ્યુકેશન આપવા પણ જણાવાયુ છે. ધો. 1-2ના બાળકોએ વર્ગકાર્ય માટે એક જ નોટબુક લાવવાની રહેશે. 3થી 5માં બે નોટબુક. 6થી 8માં ક્લાસવર્ક અને હોમવર્ક માટે ખુલ્લી ફાઇલમાં પેપર રાખવાના રહેશે. બાળકોને શેરિંગ શીખવવા એકબીજાના પુસ્તકો વહેંચવાની ટેવ કેળવવી પડશે.