અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબુત બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. અને ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને તાલુકા, જિલ્લાઓના વગદાર નેતાઓને કોંગ્રેસ પક્ષ સાથે જોડવામાં આવી રહ્યા છે. મંગળવારે આમ આદમી પાર્ટી અને ભાજપના કેટલાક નેતા અને કાર્યકર્તા કોંગ્રેસમાં જાડાયા હતા. જેમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 45,000થી વધુ વોટ મેળવનારા અર્જુન રાઠવા કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપના પૂર્વ જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત ભાજપના અનેક આગેવાનો પણ કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. છેલ્લા કેટલાય સમયથી સક્રિય એવું વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટીના અધ્યક્ષ આદિત્ય રાવલ સમગ્ર હોદ્દેદાર સહિત વિધિવત્ રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ શક્તિંસિહ ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેરાવીને તમામને આવકાર્યા હતા.
આદિવાસી સમાજના નેતા, આપ’ના પ્રદેશ ઉપાધ્યક્ષ અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 45૦૦૦થી વધુ વોટ મેળવનાર અર્જુન રાઠવા, તેમજ આપ’ના પ્રદેશ સચિવ અને છોટાઉદેપુરના પ્રભારી મયંક શર્મા, કાંકરેજ વિધાનસભાના ચૌધરી સમાજના આગેવાન અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તથા પાટણ જિલ્લા પ્રભારી પ્રશાંત ચૌધરી, આપના પ્રદેશ ઉપપ્રમુખ ટ્રેડ વિંગ અને ઉપપ્રમુખ, સાબરકાંઠા જિલ્લો તથા ખેડબ્રહ્મા નગરપાલિકાના ઈન્ચાર્જ શિરીષ ત્રિવેદી, સાબરકાંઠા જિલ્લા મહામંત્રી હસમુખ કાપડીયા, વડોદરા જિલ્લા યુથ પ્રમુખ વિશાલ પટેલ, પાટણ જિલ્લા મહામંત્રી દેવેનભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા એસ.સી. સેલના પ્રમુખ શામળભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાન-હોદ્દેદાર-કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
આ ઉપરાંત ભાજપના બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર સોલંકી હેમરાજજી મુળજી, ભાજપના આગેવાનો ઉપલાણા અશોકભાઈ, પરેશભાઈ ચૌધરી, લાલજીભાઈ ચૌધરી, ધવલભાઈ ચૌધરી, વિજયભાઈ રાજપુત, પ્રતાપજી રાજપુત, કોમલબેન ચાવડા સહિત ભાજપના આગેવાનો પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા હતા.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા શક્તિસિંહ ગોહિલના આહવાનને મળી રહેલા જોરદાર પ્રતિસાદના ફળસ્વરૂપે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય એવી ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના અધ્યક્ષ આદિત્ય રાવલ સહિત તમામ હોદ્દેદારો વિધીવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષમાં વિલીનીકરણ થયેલા ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના સમગ્ર ગુજરાતમાં આગેવાનો, હોદ્દેદારો અને સભ્યો મળીને આઠ લાખ જેટલો મોટો પરિવાર છે. ભાજપના કુશાસનમાં યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, ગુજરાતના લોકોના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે ત્યારે કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહી હોઈ જનહિતમાં ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના લોકોએ સમગ્ર પક્ષને કોંગ્રેસમાં વિલીન કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષમાં જોડાનારા નેતાઓના આવકાર કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ નારણ રાઠવા, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ, પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રદેશ પ્રવકતાશ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.