1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં હવે નવા વાહનો રજિસ્ટેશન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે, TC સિસ્ટમ દુર કરાઈ
ગુજરાતમાં હવે નવા વાહનો રજિસ્ટેશન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે, TC સિસ્ટમ દુર કરાઈ

ગુજરાતમાં હવે નવા વાહનો રજિસ્ટેશન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે, TC સિસ્ટમ દુર કરાઈ

0
Social Share

અમદાવાદ:  ગુજરાતમાં વાહનોની સંખ્યા પણ રોજબરોજ વધી રહી છે. નવા વાહનોની ખરીદી સાથે જ ટેમ્પરરી નંબર એટલે કે ટીસી નંબર આપવામાં આવતો હતો. એટલે વાહનોના ડિલર્સ દ્વારા જ કાગળ પર પ્રિન્ટ કરીને ટેમ્પપરી નંબર લગાવવામાં આવતો હતો. ત્યારબાદ આરટીઓમાંથી પાસિંગ કરાયા બાદ વાહનનો કાયમી રજિસ્ટેશન નંબર મળતો હતો. HSRP નંબર (હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) પ્લેટ પણ આરટીઓ દ્વારા ડિલર્સને પહોચાડ્યા બાદ વાહનોને લગાડવામાં આવતી હતી. આ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટીસી સિસ્ટમ દર કરવામાં આવી છે. હવે વાહનના ડિલર્સ જ આરટીઓમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન નંબર મેળવીને HSRP નંબર પ્લેટ લગાવીને જ નવા વાહનોની ડિલિવરી આપશે. એટલે કે, હવે નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે.

નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. RTO પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આજે તા. 14 મી સપ્ટેમ્બરથી નવા નિયમનો અમલ થશે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાડવાનું કામ ડીલર જ કરશે. જેના કારણે હવે વાહન ચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે. નવા નિયમ પ્રમાણે, શોરૂમમાંથી વાહન ખરીદતા ત્યાં જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા વગર શોરૂમમાંથી વાહન બહાર નીકળી શકશે નહીં અને જો નંબર પ્લેટ લાગ્યા વગરના વાહનો બહાર ફરતા જોવા મળશે તો ડીલર પર કાર્યવાહી થશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. જેમાં સસ્પેન્શન તેમજ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તો ફરિયાદ સહિતની કાર્યવાહી થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ કોઈ પણ વ્યક્તિ વાહન ખરીદે તો ડીલરો પાસેથી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. પરંતુ હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરટીઓ પાસેથી કામ લઈને ડીલરને સોંપતા આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે. હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલરે જ કરવાની રહેશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે. નિયમમાં ફેરફાર થવાથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે, તેમજ વાહનમાલિકોને આરટીઓ કચેરી આવવામાંથી મુક્તિ મળશે. ડીલર કક્ષાએથી નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી અને કાયદા મુજબ ફી અને ટેક્સ ભર્યો છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code