સુદાનમાં રહેણાક વિસ્તારમાં હવાઈ હુમલા, 40થી વધારે વ્યક્તિના મૃત્યુ
- સુદાનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ
- હવાઈ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત
- હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધવાની આશંકા
ખાર્તુમ: સુદાનમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દરમિયાન દક્ષિણ-પશ્ચિમ સુદાનમાં દક્ષિણ દારફુરની રાજધાની ન્યાલામાં બજારો અને રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયાનું જાણવા મળે છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, યુદ્ધ વિમાનોએ રઅલ-સાદ અલ-અલી, અલ-રિયાધ સહિતના રહેણાક વિસ્તારને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.
ન્યાલામાં લોકપ્રિય અલ-મલાજા બજારને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હવાઈ હુમલામાં લગભગ 40 નાગરિકો માર્યા ગયા હતા. ન્યાલામાં અલ-વોહદા આરોગ્ય કેન્દ્રમાં મોટી સંખ્યામાં ઘાયલ લોકોને ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક પહેલાથી જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય લોકો ત્યાં પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા હતા, એક તબીબી અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મૃત્યુઆંક હજુ વધી શકે છે.
દરમિયાન અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એ સુદાનીઝ સશસ્ત્ર દળો (SAF) પર પ્રાંતીય રાજધાનીમાં હવાઈ હુમલામાં નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો હતો, જેમાં 40 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આરએસએફએ જણાવ્યું કે, કાટમાળ નીચે મૃતદેહોની શોધ હજુ ચાલુ છે.
સુદાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 15 એપ્રિલથી ખાર્તુમ અને સુદાનના અન્ય વિસ્તારોમાં SAF અને RSF વચ્ચે ઘાતક અથડામણો ચાલી રહી છે, જેના પરિણામે ઓછામાં ઓછા 3,000 લોકોના મોત અને 6,000 થી વધુ ઘાયલ થયા છે.