અમદાવાદમાં જાહેર રોડ પર 4715 CCTV કેમેરામાંથી 372 બંધ, તમામ બ્રિજ પર કેમેરા લગાવાશે
અમદાવાદઃ સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના દરેક ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. શહેરીજનોની સલામતી માટે પણ સીસીટીવી કેમેરા મહત્વના બની રહ્યા છે. સીસીટીવી કેમેરાનું પાલડીના કન્ટ્રોલ રૂમ તેમજ પોલીસના કન્ટ્રોલરૂમ સાથે પણ જોડાણ હોવાથી રોડ-રસ્તાઓ પર બાજ નજર રાખવામાં આવતી હોય છે. જેમાં મ્યુનિ. દ્વારા રખડતા ઢોર, વગેરેની દેખરેખ રાખવામાં આવતી હોય છે. જ્યારે પોલીસ દ્વારા ટ્રાફિક ભંગના ગુના, તેમજ ગુનેગારોને શોધવા માટે પણ સીસીટીવીના કૂટેજ જોવામાં આવતા હોય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કુલ 4715 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. જેમાં 4343 કેમેરા ચાલુ છે. જ્યારે બાકીના 372 જેટલા કેમેરાઓ હાલ બંધ હાલતમાં છે. બંધ કેમેરાને સત્વરે ચાલુ કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સુચના આપી છે.
એએમટીના સ્ટેન્ડિંગ કમિટીના નવ નિયુક્ત ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દરેક જગ્યાએ સીસીટીવી હોવા જરૂરી છે જેનાથી કોઈપણ ગુનાઈત પ્રવૃત્તિ કે અન્ય પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી શકાય જેથી જે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે, તેને ઝડપી ચાલુ કરવાની સૂચના આપી છે. શહેરના દરેક 84 જેટલા બ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ સીસીટીવી કેમેરા લગાવવાની પ્રક્રિયા ઝડપી પૂરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે,
એએમસીના સીએનસીડી વિભાગ દ્વારા ઢોર પકડવાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી થોડી ધીમી ગતિ કરવામાં આવી છે. હવે રોજના 130ની આસપાસ જ ઢોર પકડવામાં આવી રહ્યા છે. ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર મામલે ચર્ચા કરવામાં આવી હતી. પકડાયેલા રખડતા ઢોરોને રાખવા માટે દરેક ઝોનમાં એક એક પ્લોટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દરેક ઝોનમાંથી એક એક પ્લોટ શોધી અને કેટલ કેમ્પ ચાલુ થાય તેના માટેની સૂચના આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ ઢોરવાડામાં હાલમાં કુલ 4500 જેટલા ઢોર રાખવામાં આવ્યા છે.
એએમસીના સીએનસીડી વિભાગ દ્વારા ગુરૂવારે કુલ 129 જેટલા ઢોર પકડવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ વિસ્તારમાંથી સૌથી વધારે 130થી વધુ રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા. જેમાં મેમ્કો ફૂટમાર્કેટ, નિકોલ, બોપલ, સરખેજ રોડ, ગોકુલપાર્ક નરોડા, રામનગર-સાબરમતી તથા ઓગણજ સર્કલ સહિતના વિસ્તારોમાંથી રખડતાં મૂકવામાં આવેલા પશુઓ પકડવામાં આવ્યા છે.