અમદાવાદઃ ગુજરાતમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન લૂંટારુઓએ ભિલોડાના ધારાસભ્યના નિવાસ્થાનને નિશાન બનાવીને તેમના પત્નીને બંધક બનાવ્યાં હતા. તેમજ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેથી ધારાસભ્ય ગાંધીનગરમાં ઉપસ્થિત હતા. પોલીસે લૂંટારુઓને ઝડપી લેવા માટે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ આરંભી છે. ધારાસભ્યના ઘરમાંથી કેટલી મત્તાની લૂંટ થઈ છે તે જાણી શકાયું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડા પરિવાર સાથે મેઘરજના વાંકાર્ટીબામાં વરસાટ કરી રહ્યાં છે, જો કે, હાલ વિધાનસભાનું સત્ર ચાલતુ હોવાથી ધારાસભ્ય ગાંધીનગરમાં છે. દરમિયાન અજાણ્યા શખ્સો તેમના નિવાસસ્થાને ત્રાટક્યાં હતા. એટલું જ નહીં લૂંટારુઓએ ધારાસભ્યના પત્નીને બંધક બનાવ્યાં હતા. જે બાદ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. લૂંટની જાણ થતા જિલ્લા પોલીસ વડા પણ સ્થળ પર દોડી ગયા હતા, તેમજ સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. આ ઘટનાને પગલે ધારાસભ્ય પી.સી.બરંડા પણ મેઘરજ પર દોડી ગયા હતા. લૂંટારુઓએ ધારાસભ્યની પત્ની એકલા ઘરે હતા તેનો ગેરલાભ લઈને ઘટનાને અંજાણ આપ્યાનું મનાઈ રહ્યું છે. સમગ્ર ઘટનામાં સંડોવાયેલા લૂંટારુઓને ઝડપી લેવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવીને અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. બીજી તરફ સામાન્ય પ્રજા તો ઠીક પરંતુ હવે ધારાસભ્યોના ઘર પણ સલામત નહીં હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે એટલું જ નહીં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.