અમદાવાદઃ દેશના મહાનગરોમાં લાખો રૂપિયાની ખૂબ મોંઘી ગણાતી પ્રમિયમ લકઝરી કારની સોફ્ટવેરની મદદથી કારનું ડિઝિટલ લોક ક્રેશ કરીને માત્ર 3 મીનીટમાં જ ઉઠાંતરી કરતી વાહનચોર ગેન્ગના બે શખસોને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. બે શખસો 10 જેટલી કારને વેચવા માટે આપતા પકડાયા હતાય પોલીસે 1.31 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ દેશમાં 500 જેટલી કારની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિતના રાજ્યોના આરટીઓના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દેશવ્યાપી આંતરરાજ્ય વાહનચોર ગેન્ગના બે શખસોને દબોચી લીધા હતા. ટેકનોલોજીની મદદથી દેશભરમાં 500થી વધુ પ્રિમિયમ કારની ચોરી કરી હોવાની આરોપીઓએ કબુલાત કરી છે. ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગના બે સાગરીતને ફોર્ચ્યુનર, ક્રિસ્ટા, ક્રેટા સહિત 10 લક્ઝુરિયસ કાર સાથે પકડીને RTO ના કૌભાંડનો પણ પર્દાફાશ કર્યો છે. પોલીસે બે આરોપી સાથે 1.32 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગેંગ મોલ, મલ્ટિપ્લેક્સને ટાર્ગેટ કરી સોફ્ટવેરની મદદથી કાર ડીકોડ કરી કારનું એક્સેસ મેળવી લેતા હતા. એક કાર ચોરવામાં આ ગેંગને માત્ર 3 મિનિટનો જ સમય લાગતો હતો.
શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, દેશના મહાનગરોમાં મોલ, મલ્ટિપ્લેક્સ કે વીવીઆઈપીની એન્ટ્રી હોય તેવી તમામ જગ્યાએ આ ગેંગ એક્ટિવ રહતી હતી. આ ગેંગ મોંઘી કારની નજીક પોતાની કાર લઈને પહોંચી જતા હતા અને એક સોફ્ટવેરની મદદથી કોઈ પણ કારને ત્રણ મિનિટની અંદર ડીકોડ કરી દેતા હતા. જેથી કારનો એક્સેસ વાહનચોર ગેન્ગ પાસે આવી જતો હતો. કારનું જીપીએસ બંધ થઈ જતું હતું અને કાર ચાર મિનિટની અંદર લઈને તે ગન્ગ ફરાર થઈ જતી હતી. આ ગેંગે દેશભરમાંથી 500 કારની ચોરી કરી છે, જેમાં 10 કાર અમદાવાદમાં વેચવા માટે આવ્યા હતા. જેની બાતમી મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેન્ગના બે શખસોને ઝડપી લીધા છે માત્ર પ્રીમિયમ કારની જ ચોરી કરી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરાવનાર આ ગેંગના બે શખસ પાસેથી ચોંકાવનારી વિગતો મળી છે.
ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ નાના ચિલોડા, એસપી રીંગરોડ પાસેથી ઉત્તરપ્રદેશના અશરફ સુલતાન અને ઝારખંડના ઈરફાન ઉર્ફે પીન્ટુને પકડી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાંચના સુત્રોના જણાવ્યા પ્રમાણે પકડાયેલો આરોપી ઇરફાનને દિલ્હી શહેર પોલીસની એન્ટી ઓટો થેફ્ટ સ્ક્વોડ છેલ્લા દોઢેક વર્ષથી શોધી રહી હતી. તેમજ અશરફ સુલતાન ગાજી અગાઉ દિલ્હીમાં ફોરવ્હિલ ગાડીઓની ચોરીના 10થી વધુ કેસોમાં પકડાયો છે. પકડાયેલા આરોપીઓ ઉતરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના બીજા સાગરીતો સાથે ભેગા મળી ગેંગ બનાવી હતી. આ ગેંગ દ્વારા ચોરેલી કારને અન્ય રાજ્યમાં હરાજીની ગાડીઓમાં વેચી નાખવામાં આવતી હતી. ગેંગના માણસો ચોરી કરેલી ફોરવ્હિલ ગાડીઓના એન્જિન ચેચીસ નંબરો બદલી નાખી અન્ય ગાડીઓના નંબરો નાખી આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તથા અન્ય રાજ્યોમાંથી એન.ઓ.સી. લેટર બનાવી આરટીઓ પાસીંગ કરાવતા હતા. ગ્રાહક ગાડી પસંદ કરે પછી ગાડી બુકિંગ માટે એડવાન્સમાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. જે રાજ્યમાંથી ફોરવ્હીલ ગાડી ચોરી થઈ હોય તે રાજ્ય સિવાય તેમજ પોતે બંન્ને જે રાજ્યમાં રહે છે તે સિવાયના રાજ્યોમાં ચોરીની ફોરવ્હીલ ગાડી વેચાણ કરતા હતા.
આરોપીઓ પાસેથી પકડાયેલી 10 ગાડીમાં ટોયોટા ફોર્ચ્યુનર, ઈનોવા ક્રિસ્ટા, હ્યુન્ડાઈ અલ્કઝાર, હ્યુન્ડાઈ ક્રેટા, મારૂતિ બ્રેઝાનો સમાવેશ થાય છે. કોઈ પણ કાર હોય તેનું ફિચર્સ ગમે તેટલી સુરક્ષા આપતી હોય તેને ટેક્નિકલ મદદથી સેન્સરવાળું લોક ડીકોડ કરતા હતા. જેમાં લેપટોપ દ્વારા ગાડીઓના લોકનો કોડ બદલીને નવો કોડ નાખીને લોક તોડીને ગાડીની ચોરી કરતા હતા.